હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૫ દિવસના બેંકિંગ સપ્તાહ (ફાઈવ ડે બેંકિંગ)ની માંગણી અને પેન્શન અપડેટ કરવાની માંગણી સાથે આજે દેશભરમાં બેંકોની હડતાળ, સતત ત્રણ દિવસ રજા રહેતા બેન્કિંગ વ્યવહારો ખોરવાશે
લાંબા સમયથી બેંક કર્મચારીઓ સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તમામ શનિવારે રજા જાહેર કરવામાં આવે અને કામના કલાકોમાં ફેરફાર કરવામાં આવે: અનેક રાઉન્ડની વાતચીત છતાં તેમની માંગણીઓનો કોઈ ઉકેલ આવ્યો નથી

બેંક કર્મચારી યુનિયનોએ આજે ૨૭ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (યુએફબીયુ) દ્વારા આ હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આ હડતાળનો મુખ્ય ઉદ્દેશ્ય ૫ દિવસના બેંકિંગ સપ્તાહ (ફાઈવ ડે બેંકિંગ) ની માંગણી અને પેન્શન અપડેટ કરવાની માંગણી સ્વીકારાવવાનો છે. લાંબા સમયથી બેંક કર્મચારીઓ સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તમામ શનિવારે રજા જાહેર કરવામાં આવે અને કામના કલાકોમાં ફેરફાર કરવામાં આવે.
ચેક ક્લિયરન્સ, ડ્રાફ્ટ ઈશ્યુ કરવા, લોન પ્રોસેસિંગ અને બ્રાન્ચમાં રોકડ જમા કરાવવા કે ઉપાડવા જેવી કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ જશે. જોકે, ઓનલાઈન બેંકિંગ, યુપીઆઈ અને નેટ બેંકિંગ સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.
ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોયીઝ એસોસિએશનના જણાવ્યા અનુસાર, સરકાર અને આઈબીએ (ઈન્ડિયન બેંક્સ એસોસિએશન) સાથે અનેક રાઉન્ડની વાતચીત છતાં તેમની માંગણીઓનો કોઈ ઉકેલ આવ્યો નથી, જેના કારણે તેમને હડતાળનું શસ્ત્ર ઉગામવાની ફરજ પડી છે.
બેંક યુનિયનોએ સ્પષ્ટ કર્યું છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ રોકડની વ્યવસ્થા અગાઉથી કરી લે. એટીએમ મશીનોમાં પણ રોકડની અછત સર્જાઈ શકે છે, કારણ કે સતત ત્રણ દિવસ રજા હોવાથી કેશ લોડિંગની પ્રક્રિયા પણ પ્રભાવિત થઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
