હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર ફરી ભયાનક આતંકી હુમલો: રેલવે ટ્રેક પર રિમોટ બ્લાસ્ટથી ટ્રેન ઉથલાવી, સંખ્યાબંધ સૈનિકોના મોતની ભીતિ
સિંધ અને બલૂચિસ્તાન સરહદ પર સુલતાનકોટ પાસે શક્તિશાળી આઈઈડી વિસ્ફોટ * પેશાવરથી ક્વેટા જતી ટ્રેનના ૩ થી ૪ ડબ્બા પાટા પરથી ઉતરી જતાં મોટી જાનહાનિની શક્યતા * બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સ (બીઆરજી) એ સેનાના જવાનોને નિશાન બનાવી હુમલો કર્યાનો દાવો કર્યો

ઈસ્લામાબાદ/કરાચી:: પાકિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ઘટનામાં, ગત રાત્રે જાફર એક્સપ્રેસને ફરી એકવાર આતંકી હુમલાનો શિકાર બનાવવામાં આવી છે. પેશાવરથી ક્વેટા જઈ રહેલી આ ટ્રેન જ્યારે સિંધ અને બલૂચિસ્તાન પ્રાંતને જોડતા સુલતાનકોટ અને જેકબાબાદ વચ્ચેના વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે ટ્રેક પર ગોઠવવામાં આવેલા શક્તિશાળી બોમ્બનો વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ ધડાકો એટલો ભયાનક હતો કે ટ્રેનના ચાર જેટલા ડબ્બાઓ પાટા પરથી ઉતરી પડ્યા હતા અને રેલવે ટ્રેકનો મોટો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો.
આ હુમલાની જવાબદારી સ્વીકારતા અલગાવવાદી સંગઠન 'બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સ' (બીઆરજી) એ જણાવ્યું છે કે, ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પાકિસ્તાની સેનાના જવાનો તેમનો મુખ્ય ટાર્ગેટ હતા. સંગઠનનો દાવો છે કે રિમોટ કંટ્રોલ આઈઈડી બ્લાસ્ટ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં અનેક સૈનિકો માર્યા ગયા છે. જોકે, પાકિસ્તાની સત્તાવાળાઓ અને રેલવે વિભાગે હજુ સુધી મૃત્યુઆંક અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ સ્થાનિક સૂત્રો દ્વારા સંખ્યાબંધ જવાનોના મોત થયા હોવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
જાફર એક્સપ્રેસ છેલ્લા કેટલાક સમયથી સતત આતંકીઓના નિશાના પર રહી છે. અગાઉ માર્ચ ૨૦૨૫ અને ગયા વર્ષના અંતિમ મહિનાઓમાં પણ આ ટ્રેન પર શ્રેણીબદ્ધ હુમલા થયા હતા. બલૂચ વિદ્રોહીઓ દ્વારા સેનાની હિલચાલ રોકવા માટે વારંવાર રેલવે નેટવર્કને નિશાન બનાવવામાં આવે છે.
આ ઘટનાને પગલે હાલમાં પાકિસ્તાનના સિંધ અને બલૂચિસ્તાન વચ્ચેનો રેલવે સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે અને સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
