<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

બંગાળમાં ભયાનક અગ્નિકાંડ: નઝીરાબાદ વેરહાઉસમાં લાગેલી આગે 8 જીવ લીધા

રાજકીય ગરમાવો: ભાજપે રાજ્ય સરકાર પર મોતના આંકડા છુપાવવાનો અને બેદરકારીનો લગાવ્યો ગંભીર આરોપ

કોલકાતા, તા. 27 : પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના નઝીરાબાદ વિસ્તારમાં આવેલી એક વેરહાઉસમાં લાગેલી ભયાનક આગે આખા રાજ્યને હચમચાવી દીધું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના કરૂણ મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે. વેરહાઉસમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાઈ રહી હતી. હાલમાં પણ ઘણા લોકો ગુમ હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે મૃત્યુઆંક હજુ વધવાની ભીતિ સેવાઈ રહી છે. ફાયર બ્રિગેડના જવાનો જીવના જોખમે હજુ પણ બચાવ કામગીરી અને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા મથામણ કરી રહ્યા છે.
આ ગંભીર હોનારતે હવે રાજકીય વળાંક લીધો છે. ભાજપ આ મુદ્દે મમતા સરકાર પર આક્રમક તેવર બતાવી રહી છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી અને ભાજપના નેતા ડૉ. સુકાંત મજુમદારે આ મામલે રાજ્ય સરકારની આકરી ટીકા કરી છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે આટલી મોટી કટોકટી સર્જાઈ હતી ત્યારે અગ્નિશામક મંત્રી ક્યાં હતા? તેમની ગેરહાજરી વહીવટીતંત્રની ગંભીરતા પર સવાલ ઉભા કરે છે.
વધુમાં, ડૉ. મજુમદારે રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પ્રશાસન વાસ્તવિક મૃત્યુઆંક છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે આ ઘટનાને સરકારી બેદરકારીનું પરિણામ ગણાવીને પીડિતોને ન્યાય મળે તેવી માંગ કરી છે. નઝીરાબાદમાં સર્જાયેલી આ દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે અને લોકોની સુરક્ષાને લઈને ફરી એકવાર અનેક પ્રશ્નો ઉભા થયા છે.

(3:26 PM IST)