<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

રાજસ્‍થાનમાં વાવાઝોડા સાથે વરસાદઃ મધ્‍યપ્રદેશના ૨૮ જિલ્લામાં વરસાદનું એલર્ટ

પંજાબ, હરિયાણા, યુપી સહિતના રાજયોમાં ભારે પવન શરૂ

નવી દિલ્‍હી, તા. ર૭:  દેશના ઉત્તર-પヘમિ રાજ્‍યોમાં હવામાન પલટાયું છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્‍યોમાં મંગળવારથી ભારે પવન સાથે વરસાદનો દોર શરૂ થવાનો છે. રાજસ્‍થાનના જયપુરમાં આજે સવારે ધૂળભરી આંધી સાથે વરસાદ પડ્‍યો.

મધ્‍યપ્રદેશમાં ભોપાલ, ગ્‍વાલિયર સહિત ૨૮ જિલ્લામાં આજે અને કાલે વરસાદનું એલર્ટ છે. ઘણા શહેરોમાં રાતનું તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે જઈ શકે છે. યુપીના ૧૪ જિલ્લામાં વરસાદ સાથે કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે. ૫૦ જિલ્લામાં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે.

આ તરફ, હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાથી સ્‍થિતિ બગડી છે. ઘણા નેશનલ હાઈવે પર બરફ જામી ગયો છે. જેના કારણે સેંકડો પર્યટકો ફસાયા છે. હવામાન વિભાગે આજે પણ કુલ્લુ, કિન્નૌર, ચંબા, લાહૌલ-સ્‍પીતિ અને સિમલામાં ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ જાહેર કર્યું છે.

કાશ્‍મીરમાં મોટાભાગની જગ્‍યાઓએ આજે વરસાદ કે બરફવર્ષાની સંભાવના છે. બરફથી ઢંકાયેલા ઊંચા વિસ્‍તારોમાં રહેતા લોકોને બહાર જવાનું ટાળવાની ચેતવણી આપવામાં આવી છે. શ્રીનગરમાં સોમવારે રાત્રે લઘુત્તમ તાપમાન -૦.૧ ડિગ્રી નોંધાયું હતું. ગુલમર્ગ ખીણ સૌથી ઠંડી જગ્‍યા રહી, જ્‍યાં તાપમાન -૯.૦ ડિગ્રી નોંધાયું હતું.

રાજસ્‍થાનમાં છેલ્લા ત્રણ દિવસથી કડકડતી ઠંડી બાદ મંગળવારે વરસાદનું એલર્ટ છે. હવામાન વિભાગે જયપુર સહિત ૧૦ જિલ્લામાં આજથી બે દિવસ વાવાઝોડા સાથે વરસાદની સંભાવના વ્‍યક્‍ત કરી છે. જયપુરમાં આજે સવારે ધૂળભર્યા પવન ફુંકાયા બાદ છૂટોછવાયો વરસાદ પણ પડી રહ્યો છે. રાજ્‍યમાં ૨૮ અને ૨૯ જાન્‍યુઆરીએ ગાઢ ધુમ્‍મસ છવાશે અને ઠંડા પવનો ફૂંકાશે. ૩૧ જાન્‍યુઆરીથી ફરી વરસાદ પડી શકે છે.

ઇન્‍દોરમાં ૨૬ જાન્‍યુઆરીની રાત્રે ધુમ્‍મસ સાથે લઘુત્તમ તાપમાન ૧૨.૨ ડિગ્રી નોંધાયું હતું. મધ્‍યપ્રદેશમાં ઠંડી અને ધુમ્‍મસ વચ્‍ચે મંગળવારે વરસાદનું એલર્ટ છે. હવામાન વિભાગે ભોપાલ, ગ્‍વાલિયર સહિત ૨૮ જિલ્લામાં આજે અને આવતીકાલ માટે ચેતવણી જાહેર કરી છે.

(3:59 PM IST)