<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

ગ્લેમર વર્લ્ડમાં ‘કાસ્ટિંગ કાઉચ’ મુદ્દે જંગ: સુપરસ્ટાર ચિરંજીવી અને ગાયિકા ચિન્મયી સામસામે

ચિરંજીવીએ કાસ્ટિંગ કાઉચના અસ્તિત્વનો ઈનકાર કર્યો, ચિન્મયીએ ગંદી વાસ્તવિકતાના પૂરાવા સાથે આપ્યો સણસણતો જવાબ

 

 

હૈદરાબાદ, તા. 27 : મનોરંજન જગતમાં જાતીય શોષણ અને 'કાસ્ટિંગ કાઉચ'નો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. તાજેતરમાં તેલુગુ ફિલ્મોના મેગાસ્ટાર ચિરંજીવીએ એક ઇવેન્ટમાં એવું નિવેદન આપ્યું હતું કે ઉદ્યોગમાં કાસ્ટિંગ કાઉચ જેવી કોઈ સિસ્ટમ અસ્તિત્વમાં નથી, તે વ્યક્તિના પોતાના વર્તન પર નિર્ભર કરે છે. ચિરંજીવીના આ દાવા સામે જાણીતી ગાયિકા અને મી-ટૂ (MeToo) એક્ટિવિસ્ટ ચિન્મયી શ્રીપાડાએ આકરા પ્રહારો કર્યા છે અને ફિલ્મ જગતના અંધકારમય ચહેરાને ખુલ્લો પાડ્યો છે.
ચિન્મયીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સ મૂકીને ચિરંજીવીની વાતોનું ખંડન કર્યું હતું. તેણીએ લખ્યું કે, “કાસ્ટિંગ કાઉચ અત્યંત વ્યાપક છે. જો મહિલાઓ 'સંપૂર્ણ પ્રતિબદ્ધતા' (Full Commitment) આપવાનો ઇનકાર કરે, તો તેમને ફિલ્મોમાંથી કાઢી મૂકવામાં આવે છે.” ચિન્મયીએ સમજાવ્યું કે ફિલ્મ ઉદ્યોગમાં 'કમિટમેન્ટ' શબ્દનો અર્થ વ્યાવસાયિકતા નહીં, પણ જાતીય તરફેણ તરીકે કરવામાં આવે છે, જે ઘણી શિક્ષિત મહિલાઓ શરૂઆતમાં સમજી શકતી નથી.
ગાયિકાએ ચોંકાવનારી ઘટનાઓ શેર કરતા જણાવ્યું કે, એક મહિલા સંગીતકાર પર સ્ટુડિયોમાં હુમલો કરવાનો પ્રયાસ થયો હતો અને તેણે પોતાને સાઉન્ડ બૂથમાં બંધ કરીને જીવ બચાવવો પડ્યો હતો. તેણીએ વારંવાર ગુના આચરતા એક ગાયક વિશે પણ ઘટસ્ફોટ કર્યો કે તે છોકરીઓને અશ્લીલ ફોટા મોકલે છે, છતાં તેને કામ મળી રહ્યું છે. ચિન્મયીએ કહ્યું કે સત્તા પર બેઠેલા પુરુષો ઘણીવાર મહિલાઓ પાસેથી જાતીય અપેક્ષાઓ રાખવાને પોતાનો હક સમજે છે.
ચિન્મયીએ સ્પષ્ટ કર્યું કે તે ચિરંજીવીના કદ કે તેમની સજ્જનતા પર સવાલ નથી ઉઠાવી રહી, પરંતુ તેમની પેઢી કદાચ આજની ભયાનક વાસ્તવિકતાથી અજાણ છે. તેણીએ પોતાના ભૂતકાળના કડવા અનુભવોને યાદ કરતા કહ્યું કે, જ્યારે મહિલાઓ અવાજ ઉઠાવે છે ત્યારે સમાજ અને ઉદ્યોગના લોકો જ તેમને શરમાવે છે. આ વિવાદે દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં સત્તાના દુરુપયોગ અને મહિલાઓની સુરક્ષા અંગે ફરી એકવાર મોટી ચર્ચા છેડી દીધી છે.

(4:24 PM IST)