<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

બાલાકોટ જંગનું મોટું રહસ્ય ખુલ્યું: પાકિસ્તાની F-16 સામે ભારતે કેમ ઉતાર્યા હતા જૂના મિગ-21?

ભૂતપૂર્વ વાયુસેના વડા બી.એસ. ધનોઆનો સનસનીખેજ ખુલાસો: "અમારી પાસે કોઈ વિકલ્પ જ નહોતો"

નવી દિલ્હી, તા. 27 : વર્ષ 2019માં બાલાકોટ એરસ્ટ્રાઈક પછી જ્યારે પાકિસ્તાની વાયુસેનાએ ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, ત્યારે આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી. સવાલ એ હતો કે પાકિસ્તાનના અત્યાધુનિક અમેરિકન F-16 ફાઈટર જેટ્સનો સામનો કરવા માટે ભારતે પોતાના વર્ષો જૂના 'મિગ-21 બાઇસન' (MiG-21 Bison) કેમ મોકલ્યા? આ વિવાદ પર હવે તે સમયના વાયુસેના વડા એર ચીફ માર્શલ (રિટાયર્ડ) બી.એસ. ધનોઆએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
એક તાજેતરની ચર્ચા દરમિયાન ધનોઆએ સ્વીકાર્યું હતું કે તે સમયે મિગ-21નો ઉપયોગ કરવો એ કોઈ 'પસંદગી' નહોતી, પણ એક 'મજબૂરી' હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "જ્યારે દુશ્મન તમારા ઘરના આંગણે આવીને હુમલો કરે, ત્યારે તમારી પાસે જે હથિયાર તૈયાર હોય તેનાથી જ લડવું પડે છે." શ્રીનગર બેઝ પર તે સમયે માત્ર મિગ-21 તૈનાત હતા. ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે શક્તિશાળી સુખોઈ-30 (Su-30) વિમાનો તે ચોક્કસ વિસ્તારમાં સમયસર પ્રવેશી શકે તેમ નહોતા.
રાફેલ હોત તો ચિત્ર અલગ હોત
ભૂતપૂર્વ વાયુસેના વડાએ વધુમાં ઉમેર્યું કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા જે 27 અપગ્રેડેડ મિરાજ વિમાનો મળવાના હતા, તેમાંથી માત્ર 7 જ અમારી પાસે ઉપલબ્ધ હતા. તેજસ ફાઈટર જેટ્સ પાસે પણ તે સમયે પૂરતા શસ્ત્રો નહોતા. તેમણે વડાપ્રધાન મોદીના વિધાનને દોહરાવતા કહ્યું કે, "જો તે દિવસે આપણી પાસે રાફેલ હોત, તો આપણે પાકિસ્તાની વિમાનોને તેમની સરહદમાં ઘૂસ્યા પહેલા જ તોડી પાડ્યા હોત અને પરિણામ કંઈક અલગ જ હોત."
ઉલ્લેખનીય છે કે આ જ ડોગફાઇટ દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને પોતાના મિગ-21થી પાકિસ્તાની F-16 ને તોડી પાડ્યું હતું, જે યુદ્ધ વિમાનોના ઈતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટના હતી. જોકે, આ ઘટનાએ ભારતીય વાયુસેનાના આધુનિકીકરણની તાતી જરૂરિયાત પર આખા દેશનું ધ્યાન ખેંચ્યું હતું. એર ચીફ માર્શલ ધનોઆનો આ ખુલાસો સાબિત કરે છે કે ભારતીય પાયલોટોએ મર્યાદિત સંસાધનો છતાં પોતાની બહાદુરીથી દુશ્મનને હંફાવ્યા હતા.

(4:29 PM IST)