<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

UNSCમાં ભારતની પાકિસ્તાનને લપડાક: “આતંકવાદ ક્યારેય ‘નોર્મલ’ ન હોઈ શકે, ભારત જડબાતોડ જવાબ આપતું રહેશે”

ઓપરેશન સિંદૂર અને કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના જૂઠ્ઠાણાંનો પર્દાફાશ: સિંધુ જળ સંધિ સ્થગિત કરવાના નિર્ણય પર ભારત અડગ

નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ભારતે પાકિસ્તાનને અત્યંત કડક શબ્દોમાં સંભળાવતા સ્પષ્ટ કર્યું છે કે, આતંકવાદને રાજ્ય નીતિના સાધન તરીકે ઉપયોગ કરવાની પાકિસ્તાની આદત હવે 'નવી સામાન્ય' (New Normal) બાબત તરીકે સહન કરવામાં આવશે નહીં. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતાનેની હરીશે પાકિસ્તાની રાજદૂતના ભ્રામક અહેવાલોનો વળતો જવાબ આપતા કહ્યું કે, ભારત પોતાના નાગરિકોની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે.
પાકિસ્તાને જ્યારે 'ઓપરેશન સિંદૂર' અંગે ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે રાજદૂત હરીશે તથ્યો સામે રાખતા જણાવ્યું કે, મે 2025માં ભારતે જે કાર્યવાહી કરી હતી તે એપ્રિલ 2025માં પહેલગામમાં થયેલા નિર્ઘૃણ આતંકવાદી હુમલાનો જવાબ હતી. પહેલગામમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓએ 26 નિર્દોષ ભારતીયોની હત્યા કરી હતી. ભારતે આ આતંકવાદી માળખું તોડી પાડીને ન્યાય અપાવ્યો છે. હરીશે વધુમાં ખુલાસો કર્યો કે, 10 મેના રોજ પાકિસ્તાની સેનાએ જ ભારતીય સેનાને ફોન કરીને લડાઈ રોકવા માટે વિનંતી કરી હતી.
સિંધુ જળ સંધિ અને કાશ્મીર પર રોકડું પરખાવ્યું
જમ્મુ-કાશ્મીર અંગે પાકિસ્તાનની ટિપ્પણીઓને ફગાવતા ભારતે ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે, કાશ્મીર ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને રહેશે. પાકિસ્તાનને ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ જ અધિકાર નથી. સિંધુ જળ સંધિ અંગે પણ ભારતે આકરું વલણ અપનાવતા કહ્યું કે, જે દેશે ભારત પર ત્રણ યુદ્ધો અને હજારો આતંકવાદી હુમલાઓ કર્યા હોય, તેની સાથે 65 વર્ષ જૂની આ સંધિ હવે ત્યાં સુધી સ્થગિત રહેશે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદનું સમર્થન બંધ નહીં કરે.
ભારતે પાકિસ્તાનને તેના ઘરેલું રાજકારણ પર આત્મનિરીક્ષણ કરવાની પણ સલાહ આપી હતી. હરીશે પાકિસ્તાનના 27મા બંધારણીય સુધારા પર કટાક્ષ કરતા કહ્યું કે, જે દેશમાં સેના પ્રમુખને આજીવન મુક્તિ આપીને બંધારણીય બળવાને છૂટ આપવામાં આવતી હોય, તે દેશે 'કાયદાના શાસન' વિશે વાત કરવી હાસ્યાસ્પદ છે. ભારતની આ આકરી પ્રતિક્રિયાએ આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને ફરી એકવાર ખૂણે કરી દીધું છે.

(6:25 PM IST)