<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

કર્ણાટક કોંગ્રેસમાં ‘ખુરશી’ માટે જંગ? કાર્યક્રમમાં DKS ના નારા લાગતા જ CM સિદ્ધારમૈયા લાલચોળ

સમર્થકોએ નાયબ મુખ્યમંત્રીના નામની બૂમો પાડતા મુખ્યમંત્રીનો પિત્તો ગયો: મંચ પરથી જ કાર્યકરોને ધમકાવ્યા, વિડીયો વાયરલ

બેંગલુરુ : કર્ણાટક સરકારમાં ચાલી રહેલી સત્તાની ખેંચતાણ હવે રસ્તા પરથી મંચ સુધી પહોંચી ગઈ છે. મંગળવારે આયોજિત કોંગ્રેસના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ત્યારે ભારે ગુસ્સે ભરાયા જ્યારે કેટલાક કાર્યકરોએ નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર (DKS) ના સમર્થનમાં જોરશોરથી નારા લગાવવાનું શરૂ કર્યું. મુખ્યમંત્રીએ પોતાનો સંયમ ગુમાવ્યો અને નારા લગાવનારાઓને મંચ પરથી જ ઉધડા લેતા ચૂપ રહેવા તાકીદ કરી હતી.
વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે જ્યારે સિદ્ધારમૈયા સંબોધન કરવાની તૈયારીમાં હતા, ત્યારે યુવા કોંગ્રેસના કેટલાક સભ્યોએ 'ડીકેએસ, ડીકેએસ' ના નારા લગાવ્યા હતા. આનાથી રોષે ભરાયેલા મુખ્યમંત્રીએ તે કાર્યકરોને કટાક્ષમાં પૂછ્યું કે, "શું હવે તમારે જ બોલવું છે?" સ્થિતિ એટલી વણસી હતી કે કાર્યક્રમના યજમાને માઈક પર આવીને કાર્યકરોને ચેતવણી આપવી પડી કે જો તેઓ શાંત નહીં રહે તો તેમણે ગંભીર પરિણામો ભોગવવા પડશે.
સત્તાની વહેંચણીનો ગૂંચવાડો
નોંધનીય છે કે નવેમ્બર 2025 માં સિદ્ધારમૈયા સરકારના અઢી વર્ષ પૂર્ણ થતા જ કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાવવાની અટકળોએ જોર પકડ્યું છે. 2023 માં જ્યારે સરકાર બની હતી, ત્યારે એવી ચર્ચા હતી કે અઢી વર્ષ પછી સત્તાની બાગડોર ડી.કે. શિવકુમારને સોંપવામાં આવશે. જોકે, સિદ્ધારમૈયા હજુ પણ ખુરશી છોડવા તૈયાર હોય તેમ લાગતું નથી. આ મુદ્દે બંને નેતાઓ હાઈકમાન્ડ અને રાહુલ ગાંધી સાથે મુલાકાતો કરી રહ્યા છે.
તાજેતરમાં જ મૈસુરુમાં પણ બંને નેતાઓ વચ્ચેની તિરાડ જોવા મળી હતી. જોકે સિદ્ધારમૈયાએ દાવો કર્યો છે કે નેતૃત્વનો નિર્ણય હાઈકમાન્ડ લેશે, પરંતુ આવા જાહેર કાર્યક્રમોમાં સમર્થકો વચ્ચેનો ટકરાવ સૂચવે છે કે કર્ણાટક કોંગ્રેસમાં અત્યારે બધું બરાબર નથી. આ વિડીયો વાયરલ થતા જ વિપક્ષ ભાજપને પણ સરકારને ઘેરવાનો વધુ એક મોકો મળી ગયો છે.

(6:26 PM IST)