<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

કોંગ્રેસમાં 'બળવા'ના ભણકારા? સોનિયા ગાંધીની હાઈ-પ્રોફાઈલ બેઠકમાં શશિ થરૂરની ગેરહાજરીથી ખળભળાટ

બજેટ સત્ર પહેલા 10 જનપથ પર યોજાયેલી રણનીતિ બેઠકમાંથી અંતર જાળવીને થરૂરે 'લક્ષ્મણ રેખા' ઓળંગી? વિદેશ પ્રવાસનું બહાનું કે ગાંધી પરિવાર સામે ખુલ્લો પડકાર : રાજકીય વર્તુળોમાં તર્ક-વિતર્ક તેજ.

નવી દિલ્હી:  સંસદનું બજેટ સત્ર શરૂ થવાના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિપક્ષી છાવણીમાં હલચલ મચી ગઈ છે. સોનિયા ગાંધીએ પોતે મોંઘવારી, બેરોજગારી અને સરહદ સુરક્ષા જેવા ગંભીર મુદ્દાઓ પર સરકારને ઘેરવા માટે '10 જનપથ' ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી સહિતના તમામ મહારથીઓ હાજર રહ્યા હતા, પરંતુ એક નામે સૌનું ધ્યાન ખેંચ્યું અને તે હતું – શશિ થરૂર. કોંગ્રેસના બૌદ્ધિક ચહેરા અને ધારદાર વક્તા ગણાતા થરૂરની આ 'હાઈ-પ્રોફાઈલ' બેઠકમાંથી ગેરહાજરી માત્ર એક સંયોગ નથી, પરંતુ કોંગ્રેસના આંતરિક માળખામાં લાંબા સમયથી ઉકળતા ચરુનો પુરાવો માનવામાં આવી રહ્યો છે.

જોકે, વિવાદ વકરતો જોઈ શશિ થરૂરના કાર્યાલયે તાત્કાલિક સ્પષ્ટતા કરી છે કે તેઓ હાલ દેશની બહાર છે અને પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને કારણે હાજર રહી શક્યા નથી, જેની જાણ પક્ષને પહેલેથી જ કરવામાં આવી હતી. પરંતુ રાજકીય વિશ્લેષકો આ દલીલને ગળે ઉતારવા તૈયાર નથી. કોંગ્રેસના ઈતિહાસમાં ગાંધી પરિવાર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકને ટાળવી એ 'બળવા' સમાન ગણાય છે. ખાસ કરીને જ્યારે થરૂર ભૂતકાળમાં પક્ષ પ્રમુખની ચૂંટણી લડી ચૂક્યા હોય અને કેરળના સ્થાનિક રાજકારણમાં કે.સી. વેણુગોપાલ જેવા નેતાઓ સાથે તેમનો ગજગ્રાહ ચાલતો હોય, ત્યારે સોનિયા ગાંધીના આમંત્રણને નજરઅંદાજ કરવું એ ઘણું બધું કહી જાય છે. થરૂર છાવણીમાં એવી છૂપી નારાજગી છે કે પક્ષમાં તેમને લાયક મહત્વ કે નીતિનિર્માણમાં ભૂમિકા આપવામાં આવી રહી નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, થરૂર હવે પક્ષના 'ડેકોરમ' અને ગાંધી પરિવાર પ્રત્યેની પરંપરાગત વફાદારીની મર્યાદાઓથી પર જઈ રહ્યા હોય તેવું લાગે છે. અગાઉ કેરળ પ્રદેશ સમિતિ અને AICCના કાર્યક્રમોમાં પણ તેમની હાજરી પાંખી રહી છે, જે સૂચવે છે કે મામલો હવે માત્ર નારાજગીનો નથી પરંતુ અલગ રસ્તો અખત્યાર કરવાનો પણ હોઈ શકે છે. બજેટ સત્રમાં કોંગ્રેસ જ્યારે એકજૂથ થઈને ભાજપ પર પ્રહાર કરવાની તૈયારી કરી રહી છે, ત્યારે પક્ષના સૌથી પ્રભાવશાળી સાંસદનું આ અંતર વિપક્ષી એકતા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. હવે જોવાનું એ રહેશે કે શું થરૂર બજેટ સત્ર દરમિયાન સંસદમાં પક્ષના યોદ્ધા તરીકે દેખાશે કે પછી તેમની આ ગેરહાજરી કોંગ્રેસમાં કોઈ મોટા નવા વિખવાદની નાંદી બનશે.

(6:56 PM IST)