હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતનો દબદબો યથાવત: દુનિયાની ચોથી સૌથી મોટી સૈન્ય શક્તિ : ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન 'ટોપ-10' માંથી ફેંકાયું બહાર : અમેરિકા ટોપ પર
ગ્લોબલ ફાયરપાવર ઇન્ડેક્સ ૨૦૨૬માં ભારતે પોતાનું ચોથું સ્થાન જાળવી રાખ્યું : જ્યારે ભારતીય સેનાના વિનાશક વળતા પ્રહાર સામે નબળું પડેલું પાકિસ્તાન લશ્કરી તાકાતમાં ૧૪મા સ્થાને પટકાયું : જર્મની અને ફ્રાન્સની શક્તિમાં નોંધપાત્ર વધારો

નવી દિલ્હી: વિશ્વના ૧૪૫ દેશોની સૈન્ય ક્ષમતાનું મૂલ્યાંકન કરતા 'ગ્લોબલ ફાયરપાવર મિલિટરી ઇન્ડેક્સ ૨૦૨૬'માં ભારતનો વિજયધ્વજ લહેરાયો છે. ૬૦થી વધુ આકરા સૂચકાંકોના આધારે તૈયાર થયેલા આ રિપોર્ટમાં અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત વિશ્વની ચોથી સૌથી શક્તિશાળી સૈન્ય શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. આ રેન્કિંગ ભારતની વધતી જતી સંરક્ષણ ક્ષમતા અને આધુનિકીકરણનો પુરાવો આપે છે. બીજી તરફ, પાડોશી દેશ પાકિસ્તાનની હાલત અત્યંત કફોડી બની છે. ૨૦૨૪માં જે પાકિસ્તાન ૯મા ક્રમે હતું, તે હવે લપસીને સીધું ૧૪મા ક્રમે પહોંચી ગયું છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ 'ઓપરેશન સિંદૂર'માં મળેલી કારમી હાર અને પાકિસ્તાની એરબેઝના થયેલા વિનાશને માનવામાં આવી રહ્યો છે.
ઓપરેશન સિંદૂર એ પાકિસ્તાની સૈન્ય માટે એક મોટો આંચકો સાબિત થયું છે. આ ઓપરેશન દરમિયાન ભારતે આતંકવાદી ઠેકાણાઓ પર કરેલી કાર્યવાહી બાદ જ્યારે પાકિસ્તાને બદલો લેવાની કોશિશ કરી, ત્યારે ભારતીય સૈન્યએ તેના ૧૧ એરબેઝ અને ૬ અત્યાધુનિક રડાર સિસ્ટમનો ભુક્કો બોલાવી દીધો હતો. આ હુમલાએ પાકિસ્તાની એરફોર્સની કમર તોડી નાખી, જેને પરિણામે ગ્લોબલ ફાયરપાવર ઇન્ડેક્સમાં તેનું સ્થાન સતત ગગડી રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધ છતાં રશિયાએ પોતાનું બીજું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે યુરોપમાં ફ્રાન્સ અને જર્મનીએ પોતાની લશ્કરી શક્તિ વધારીને દુનિયાને ચોંકાવી દીધી છે. જર્મની ૧૯મા ક્રમેથી કૂદકો મારીને હવે ૧૨મા સ્થાને પહોંચી ગયું છે.
ભારત માટે આ રેન્કિંગ વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે દક્ષિણ એશિયામાં ભારતની અપ્રતિમ તાકાતને દર્શાવે છે. ઇન્ડેક્સ મુજબ, દક્ષિણ કોરિયા પાંચમા અને જાપાન સાતમા ક્રમે છે, જે એશિયામાં બદલાતા શક્તિ સમીકરણો તરફ ઈશારો કરે છે. બ્રિટન જેવી જૂની લશ્કરી શક્તિઓ હવે ધીમે ધીમે નીચે સરકી રહી છે અને આઠમા ક્રમે પહોંચી છે. ભારતીય સંરક્ષણ નિષ્ણાતો માને છે કે જો ભારત સ્વદેશી બનાવટના શસ્ત્રો અને ટેકનોલોજી પર આ જ ગતિએ ધ્યાન આપશે, તો આગામી વર્ષોમાં તે ત્રીજા સ્થાન માટે ચીનને પણ મજબૂત ટક્કર આપી શકે છે. પાકિસ્તાન માટે આ રિપોર્ટ એક ચેતવણી સમાન છે કે તેની ખોખલી સૈન્ય તાકાત હવે આંતરરાષ્ટ્રીય મંચ પર ખુલ્લી પડી ગઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
