બેંકોને તાળાં: દેશવ્યાપી હડતાળથી અર્થતંત્રના પૈડાં થંભ્યા : એકલા બિહારમાં ₹50,000 કરોડના વ્યવહાર 'લોક'
સતત રજાઓ બાદ હડતાળના ફટકાથી ATM ખાલીખમ અને ગ્રાહકો બેહાલ: 'ફાઈવ ડે બેંકિંગ'ની જીદ સાથે કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા: માર્ચમાં અનિશ્ચિત મુદ્દતની હડતાળની ચીમકીથી વેપારી આલમમાં ફફડાટ

પટના : દેશભરની જાહેર ક્ષેત્રની બેંકોમાં મંગળવારે સન્નાટો છવાયેલો રહ્યો હતો, પરંતુ બેંકોની બહારનો માહોલ ગરમાયેલો જોવા મળ્યો હતો. 'યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ' દ્વારા આપવામાં આવેલા દેશવ્યાપી હડતાળના એલાનને પગલે બેંકિંગ સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. ખાસ કરીને બિહારમાં તેની વ્યાપક અસર જોવા મળી, જ્યાં વાણિજ્યિક અને ગ્રામીણ બેંકોની 8,000 થી વધુ શાખાઓ બંધ રહેતા અંદાજે 50,000 કરોડ રૂપિયાના વ્યવહારો અટકી પડ્યા હતા. ચોથા શનિવાર, રવિવાર અને પ્રજાસત્તાક દિવસની રજાઓના કારણે લોકો પહેલેથી જ રોકડની તંગીનો સામનો કરી રહ્યા હતા, ત્યાં આ હડતાળ 'કોઢમાં ખાજ' સમાન સાબિત થઈ છે. પટનાના ગાંધી મેદાનથી લઈને દિલ્હીના નાણાકીય કેન્દ્રો સુધી, બેંક કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરીને રસ્તાઓ ગજવ્યા હતા.
હડતાળનું મુખ્ય કારણ પાંચ દિવસના બેંકિંગ સપ્તાહ (શનિવાર-રવિવાર રજા) ની લાંબા સમયથી લટકતી માંગણી છે. ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશનના નેતાઓનું કહેવું છે કે જ્યારે RBI, LIC અને સ્ટોક એક્સચેન્જમાં પાંચ દિવસનું કાર્ય સપ્તાહ અમલમાં છે, તો સામાન્ય બેંકો સાથે અન્યાય કેમ? બિહારમાં 20,000 થી વધુ બેંક અધિકારીઓએ કામકાજથી અળગા રહીને કેન્દ્ર સરકાર અને IBA (ઈન્ડિયન બેંક્સ એસોસિએશન) સામે રોષ ઠાલવ્યો હતો. હડતાળને કારણે માત્ર રોકડ વ્યવહારો જ નહીં, પરંતુ ચેક ક્લિયરન્સ, RTGS અને NEFT જેવી ડિજિટલ સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી, જેના લીધે મોટા ઉદ્યોગગૃહોથી લઈને સામાન્ય વેપારીઓના પેમેન્ટ અટવાઈ ગયા હતા.
ATM મશીનોમાં રોકડ ન હોવાને કારણે સામાન્ય જનતાએ ખાનગી બેંકોના ATM સામે લાંબી કતારો લગાવી હતી, પરંતુ ત્યાં પણ મર્યાદિત રોકડને કારણે લોકો નિરાશ થયા હતા. બેંક યુનિયનોએ હવે આરપારની લડાઈના સંકેત આપ્યા છે. જો સરકાર ફેબ્રુઆરીના અંત સુધીમાં શનિવારની રજા અંગેનું જાહેરનામું બહાર નહીં પાડે, તો માર્ચ મહિનામાં દેશભરમાં 'અનિશ્ચિત મુદ્દત'ની હડતાળ પાડવાની ચેતવણી આપવામાં આવી છે. જો આવું થશે તો હોળીના તહેવારો ટાણે જ દેશની અર્થવ્યવસ્થા અને સામાન્ય લોકોના ખિસ્સા પર તેની અત્યંત ગંભીર અસર પડી શકે છે. સરકાર અને યુનિયનો વચ્ચેની આ ખેંચતાણ હવે કયા વળાંક પર પહોંચે છે તેના પર સૌની નજર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
