<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

બ્રિટનમાં આર્થિક કટોકટી: દર ૧૦મો વ્યક્તિ અત્યંત ગરીબીના ખપ્પરમાં : ૩૦ વર્ષનો રેકોર્ડ તૂટ્યો

વિકસિત રાષ્ટ્રના કપરા દિવસો: ૬૮ લાખ બ્રિટિશરો પાસે પાયાની જરૂરિયાતો માટે પણ પૈસા નથી : બાંગ્લાદેશી-પાકિસ્તાની સમુદાયો સૌથી વધુ પ્રભાવિત : 'બે બાળકોની મર્યાદા' નાબૂદ કરવા છતાં સ્થિતિ નિયંત્રણ બહાર

લંડન:  વિશ્વની ટોચની અર્થવ્યવસ્થાઓમાં ગણાતા બ્રિટનમાં અત્યારે ભયાનક ગરીબીએ ભરડો લીધો છે. 'જોસેફ રાઉન્ટ્રી ફાઉન્ડેશન' (JRF) ના તાજેતરના અહેવાલે દુનિયાને ચોંકાવી દીધી છે, કારણ કે બ્રિટનમાં દર દસમો વ્યક્તિ અત્યંત ગરીબીમાં જીવી રહ્યો છે. હાલમાં અંદાજે ૬૮ લાખ લોકો એવી પરિસ્થિતિમાં છે જ્યાં તેમની આવક સરેરાશ કરતા ૪૦% ઓછી છે. ૩૦ વર્ષના ઈતિહાસમાં અત્યંત ગરીબીનો આ સૌથી ઉંચો આંકડો છે. બે માસૂમ બાળકો અને માતાપિતા ધરાવતા પરિવારની વાર્ષિક આવક માંડ ૧૬,૪૦૦ પાઉન્ડ સુધી સીમિત રહી ગઈ છે, જે મોંઘવારીના જમાનામાં ગુજરાન ચલાવવા માટે અત્યંત અપૂરતી છે.

આ અહેવાલનો સૌથી કરુણ ભાગ 'બાળ ગરીબી' છે. બ્રિટનમાં અત્યારે ૪૫ લાખ બાળકો ગરીબીના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે અને સતત ત્રીજા વર્ષે આ આંકડામાં વધારો નોંધાયો છે. નાણામંત્રી રશેલ રીવ્સે ૨૦૧૭થી અમલી 'બે બાળકોની મર્યાદા'નો વિવાદાસ્પદ નિયમ નાબૂદ કરવાની જાહેરાત કરી છે, જેથી ગરીબ પરિવારોને વધુ સરકારી સહાય મળી શકે. જોકે, નિષ્ણાતો માને છે કે માત્ર આટલું કરવું પૂરતું નથી. ફુગાવો ૩.૪% પર પહોંચતા સામાન્ય લોકોની ખરીદશક્તિ ઘટી છે, જેના કારણે ગરીબી રેખાની નીચે જીવતા અડધાથી વધુ લોકો અત્યંત દયનીય સ્થિતિમાં ધકેલાઈ ગયા છે.

વંશીય ધોરણે જોતા બ્રિટનમાં વસતા બાંગ્લાદેશી અને પાકિસ્તાની સમુદાયો આ આર્થિક પછડાટનો સૌથી વધુ ભોગ બન્યા છે. અપંગ લોકો અને અશક્ત વડીલો માટે પણ જીવન નિર્વાહ કઠિન બન્યો છે. નવેમ્બરમાં બ્રિટનનો જીડીપી ૦.૩% વધ્યો હોવા છતાં, આર્થિક વિકાસનો આ લાભ ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચ્યો નથી. જે રાષ્ટ્ર ક્યારેક દુનિયા પર શાસન કરતું હતું, તે આજે પોતાના જ નાગરિકોને ભૂખમરા અને આર્થિક અસમાનતામાંથી બહાર કાઢવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યું છે. જો સરકાર દ્વારા આગામી સમયમાં કોઈ નક્કર નીતિગત ફેરફાર નહીં કરવામાં આવે, તો આ સામાજિક ખાઈ વધુ ઊંડી થવાની ભીતિ છે.

(7:34 PM IST)