News of Tuesday, 27th January 2026
બાંગ્લાદેશમાં 'બળવાખોરો'ને ક્લીન ચીટ: યુનુસ સરકારનો ઐતિહાસિક વટહુકમ : હસીના વિરુદ્ધ લડનારા તમામ પ્રદર્શનકારીઓ કેસમાંથી મુક્ત
ચૂંટણી પહેલા મોહમ્મદ યુનુસનો મોટો દાવ: જુલાઈ ૨૦૨૪ના હિંસક આંદોલનમાં સામેલ વિદ્યાર્થીઓ અને નાગરિકો સામેના તમામ ફોજદારી કેસ પાછા ખેંચાશે : હત્યાના આરોપોની તપાસ હવે માનવ અધિકાર આયોગ કરશે

ઢાકા:બાંગ્લાદેશના રાજકીય આકાશમાં અત્યારે મોટા ફેરફારોના પવનો ફૂંકાઈ રહ્યા છે. શેખ હસીના સરકારને સત્તા પરથી ઉખેડી ફેંકનારા પ્રદર્શનકારીઓ માટે મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે 'મુક્તિ'નો માર્ગ ખોલી દીધો છે. ૨૫ જાન્યુઆરીએ જારી કરાયેલા "જુલાઈ બળવા વટહુકમ, ૨૦૨૬" હેઠળ, હસીના વિરુદ્ધના આંદોલન દરમિયાન પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલા તમામ નાગરિક અને ફોજદારી કેસો પાછા ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. આ પગલાને આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા યુનુસ સરકાર દ્વારા યુવા સમુદાય અને વિરોધ પક્ષોનો વિશ્વાસ જીતવા માટેનો એક મોટો માસ્ટરસ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે.
નવા વટહુકમ મુજબ, જો કોઈ પ્રદર્શનકારી સામે હત્યા જેવો ગંભીર આરોપ હશે, તો તેની સીધી ધરપકડ કે પોલીસ કાર્યવાહી થઈ શકશે નહીં. આવા કેસોની તપાસ હવે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) દ્વારા કરવામાં આવશે. તપાસ અધિકારીએ કોઈપણ આરોપીની અટકાયત કરતા પહેલા કમિશનની લેખિત મંજૂરી લેવી પડશે. જો તપાસમાં સાબિત થાય કે આ કાર્યવાહી માત્ર રાજકીય વિરોધનો ભાગ હતી, તો સરકાર પીડિત પરિવારોને વળતર પણ આપશે. આ જોગવાઈથી હજારો વિદ્યાર્થીઓ અને રાજકીય કાર્યકરોને મોટી રાહત મળી છે, જેઓ લાંબા સમયથી કાનૂની ગૂંચવણોમાં ફસાયેલા હતા.
જુલાઈ ૨૦૨૪માં થયેલા આ હિંસક લોકઆંદોલને બાંગ્લાદેશનો ઈતિહાસ બદલી નાખ્યો હતો, જેના પરિણામે શેખ હસીનાએ દેશ છોડીને ભારતમાં શરણ લેવી પડી હતી. યુનુસ સરકારે હવે સ્પષ્ટ કર્યું છે કે 'આઝાદી'ની આ લડાઈમાં સામેલ લોકો સામે કોઈ નવા કેસ દાખલ કરવામાં આવશે નહીં. જોકે, અવામી લીગના સમર્થકો આ વટહુકમનો વિરોધ કરી રહ્યા છે અને આરોપ લગાવી રહ્યા છે કે આનાથી દેશમાં અરાજકતા વધશે. બીજી તરફ, યુનુસ સરકારે હસીના પર વળતો પ્રહાર કરતા કહ્યું છે કે તેમના સમર્થકો જ દેશમાં અસ્થિરતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચૂંટણીના ગરમાવા વચ્ચે આ વટહુકમે બાંગ્લાદેશના રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
