હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બંગાળમાં વિપક્ષી એકતાનો શંખનાદ: અખિલેશ યાદવે ‘નબન્ના’માં મમતા બેનર્જી સાથે યોજી ખાસ બેઠક
"માત્ર દીદી જ ભાજપને ટક્કર આપી શકે છે": મતદાર યાદીમાં સુધારા (SIR) મુદ્દે અખિલેશનો ચૂંટણી પંચ અને કેન્દ્ર પર આકરો પ્રહાર

કોલકાતા: દેશના રાજકારણમાં ફરી એકવાર મોટા ફેરફારોના સંકેત મળી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે રાજ્ય સચિવાલય 'નબન્ના' ખાતે મુલાકાત કરી હતી. આશરે 40 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણી અને દેશના વર્તમાન રાજકીય સંજોગો પર ઊંડી ચર્ચા કરવામાં આવી હતી. અખિલેશ યાદવ તેમની પત્ની અને સાંસદ ડિમ્પલ યાદવ સાથે કોલકાતામાં એક ખાનગી પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા, જે દરમિયાન તેમણે આ શિષ્ટાચાર મુલાકાત લીધી હતી.
બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા અખિલેશ યાદવે મમતા બેનર્જીની હિંમતના ભારોભાર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, "આખા દેશમાં જો કોઈ નેતા ભાજપના આક્રમણને આંખમાં આંખ મિલાવીને ટક્કર આપી રહ્યું હોય, તો તે મમતા દીદી છે." તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપ અત્યારે લોકતાંત્રિક મૂલ્યોને નુકસાન પહોંચાડી રહ્યું છે અને વિપક્ષી નેતાઓને હેરાન કરવા માટે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યું છે. અખિલેશે કટાક્ષ કરતા કહ્યું કે, મમતા બેનર્જીએ ઈડી (ED) ને હરાવી છે અને હવે તેઓ આગામી ચૂંટણીમાં ભાજપને પણ ધૂળ ચટાડશે.
અખિલેશ યાદવે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી મતદાર યાદીની વિશેષ તપાસ( SIR) મુદ્દે પણ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ અને ચૂંટણી પંચ મળીને વિપક્ષના મતો કાપવાનું કાવતરું ઘડી રહ્યા છે. તેમણે ઉત્તર પ્રદેશનો દાખલો આપતા કહ્યું કે ત્યાં પણ લાખો મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. અખિલેશ યાદવે આશંકા વ્યક્ત કરી હતી કે આ પ્રક્રિયાના બહાને સરકાર પરોક્ષ રીતે એનઆરસી (NRC) લાગુ કરવાની કોશિશ કરી રહી છે. આ બેઠકથી આગામી સમયમાં બંગાળ વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષી એકતા વધુ મજબૂત થવાના સંકેતો મળી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
