હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભોપાલ AIIMSમાં લિફ્ટની અંદર ‘ડર્ટી ગેમ’: મહિલા કર્મચારી સાથે વાતચીત કરી અને પછી ગળું દબાવી મંગળસૂત્ર લૂંટી લીધું
CCTVમાં કેદ થઈ લૂંટારાની બેશરમી: હોસ્પિટલની લિફ્ટમાં એકલી મહિલા જોઈ માસ્ક પહેરેલા શખ્સે ખેલ્યો મોતનો ખેલ, પોલીસ તપાસ તેજ

ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આવેલી ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) જેવી હાઈ-પ્રોફાઈલ હોસ્પિટલમાંથી હૃદયદ્રાવક ચેઈન સ્નેચિંગનો કિસ્સો સામે આવ્યો છે. હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગમાં એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતી વર્ષા સોની નામની મહિલા જ્યારે બ્લડ બેંક પાસેની લિફ્ટમાં જઈ રહી હતી, ત્યારે એક અજાણ્યા માસ્કધારી લૂંટારાએ તેમને પોતાનો શિકાર બનાવ્યા હતા. આ સમગ્ર ઘટના લિફ્ટમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે જોઈને કોઈના પણ રુંવાડા ઉભા થઈ જાય તેમ છે.
ઘટનાની વિગત મુજબ, ગઈકાલે (26 જાન્યુઆરી) સાંજે જ્યારે હોસ્પિટલમાં રજાનો માહોલ હતો, ત્યારે વર્ષા સોની લિફ્ટમાં એકલી હતી. લિફ્ટમાં પ્રવેશેલા એક માસ્ક પહેરેલા શખ્સે ખૂબ જ સામાન્ય રીતે વાતચીત શરૂ કરી અને આંખના વિભાગના ફ્લોર વિશે પૂછપરછ કરી. લિફ્ટ જેવી ત્રીજા માળે પહોંચી કે તરત જ આરોપીએ અચાનક વર્ષાબેન પર હુમલો કરી તેમને જોરદાર ધક્કો માર્યો હતો. મહિલા કશું સમજે તે પહેલાં જ લૂંટારાએ તેમના ગળામાંથી સોનાની ચેઈન અને મંગળસૂત્ર ખેંચી લીધું હતું. આ ઝપાઝપીમાં ચેઈન તૂટીને નીચે પડી ગઈ હતી, પરંતુ લૂંટારો મંગળસૂત્ર લઈને સીડીઓ વાટે ફરાર થઈ ગયો હતો.
સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા ગંભીર સવાલો
આશ્ચર્યની વાત એ છે કે AIIMS જેવી સંસ્થામાં જ્યાં હજારો લોકોની અવરજવર હોય છે, ત્યાં લિફ્ટ પાસે કોઈ સુરક્ષા ગાર્ડ હાજર નહોતો. ઘટના બાદ ગભરાઈ ગયેલી મહિલા લગભગ 10 મિનિટ સુધી લિફ્ટમાં રડતી રહી હતી. અંતે એક ગાર્ડનું ધ્યાન જતાં મામલો બહાર આવ્યો હતો. પીડિતાએ બાગસેવાનિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV ફૂટેજ કબજે કરીને આરોપીની શોધખોળ શરૂ કરી છે, પરંતુ માસ્ક પહેરેલો હોવાથી તેની ઓળખ કરવી પોલીસ માટે પડકારરૂપ બની છે. હોસ્પિટલના સુરક્ષિત વાતાવરણમાં બનેલી આ ઘટનાએ મહિલાઓની સલામતી અંગે ગંભીર ચિંતા જન્માવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
