<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

મમતા બેનર્જીનો દિલ્હી દરબારમાં ‘શક્તિપ્રદર્શન’નો પ્લાન: મતદાર યાદીમાં ગરબડના મુદ્દે ભાજપ વિરોધી નેતાઓને મળશે

‘SIR’ ના નામે જનતાને હેરાન કરવાનો આક્ષેપ: ચૂંટણી પંચ સામે લડાઈ તેજ કરવા ‘દીદી’ જશે દિલ્હી, અભિષેક બેનર્જીની 1 લાખ લોકોને લઈ જવાની ચીમકી

કોલકાતા:પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં દિલ્હી જશે અને 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) એટલે કે મતદાર યાદીના પુનઃનિરીક્ષણના મુદ્દે રાષ્ટ્રીય સ્તરે અવાજ ઉઠાવશે. પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમ દરમિયાન તેમણે પોતાના નજીકના સાથીઓને સંકેત આપ્યા હતા કે તેઓ દિલ્હીમાં ભાજપ વિરોધી પક્ષોના નેતાઓને મળીને કેન્દ્ર સરકાર અને મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોરચો ખોલશે.
તૃણમૂલ કોંગ્રેસ (TMC) નો આરોપ છે કે SIR ની પ્રક્રિયા દ્વારા ભાજપ બંગાળના 'વૈધ' મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવાનું કાવતરું ઘડી રહ્યું છે. મમતા બેનર્જીના મતે, સામાન્ય જનતાને સુનાવણીના નામે કલાકો સુધી બેસાડી રાખીને પરેશાન કરવામાં આવી રહી છે. ટીએમસીના નેતા અભિષેક બેનર્જીએ તો ત્યાં સુધી ચેતવણી આપી છે કે જો એક પણ સાચા મતદારનું નામ કપાયું, તો તેઓ એક લાખ લોકોને લઈને દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરશે.
 

તૃણમૂલ કોંગ્રેસ સતત દાવો કરી રહી છે કે જે રીતે બિહાર, હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીઓમાં ભાજપે 'ધાંધલી' કરી હતી, તે રમત બંગાળમાં પકડાઈ ગઈ છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધીએ માત્ર પ્રોજેક્ટર પર ચૂંટણી ગરબડનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ મમતા બેનર્જીએ તેને બૂથ લેવલ પર પકડી પાડ્યો છે. મમતા બેનર્જીના દિલ્હી પ્રવાસનો મુખ્ય હેતુ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ રાજકીય દબાણ વધારવાનો અને વિપક્ષી ગઠબંધનમાં પોતાનું કદ મજબૂત કરવાનો છે.
નોંધનીય છે કે, 1 ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ થવાનું છે, તે પહેલા કેન્દ્ર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં મમતા સામેલ થાય તેવી શક્યતા ઓછી છે, પરંતુ સંસદ સત્ર દરમિયાન તેઓ દિલ્હીમાં રહીને વિપક્ષી એકતાનો મજબૂત સંદેશ આપી શકે છે.

(8:56 PM IST)