<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

ભારતની ટેક-ક્રાંતિ: દુનિયાની અડધી ચિપ્સ હવે ભારતમાં થશે ડિઝાઇન, અશ્વિની વૈષ્ણવની ગર્જના

દાવોસમાં ગુંજ્યું ભારતનું નામ: 2032 સુધીમાં અત્યાધુનિક 3nm ચિપ્સ બનાવવાનું લક્ષ્ય, ‘સેમિકોન 2.0’ દ્વારા ડ્રેગનને પછાડવા માસ્ટર પ્લાન તૈયાર

દાવોસ:ભારત હવે સેમિકન્ડક્ટરના ક્ષેત્રમાં વિશ્વની મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે. સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, ટૂંક સમયમાં વિશ્વના કુલ સેમિકન્ડક્ટર ડિઝાઇન કાર્યનો આશરે 50% હિસ્સો એકલા ભારતમાં કરવામાં આવશે. એક સમયે ભારતની ક્ષમતા પર શંકા કરનારી દુનિયા આજે ભારતની આ ટેક-છલાંગને આશાભરી નજરે જોઈ રહી છે.
મંત્રીએ જણાવ્યું કે ‘સેમિકોન 2.0’ પ્રોગ્રામ હેઠળ ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં ધરખમ ફેરફારો કરવામાં આવશે. આ અંતર્ગત વર્ષ 2032 સુધીમાં ભારતમાં અત્યાધુનિક 3-નેનોમીટર (3nm) ચિપ્સનું ઉત્પાદન શરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ અદ્યતન ટેકનોલોજીથી સ્માર્ટફોન, ઇલેક્ટ્રિક વાહનો, અવકાશ ટેકનોલોજી અને ડ્રોન ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બનશે.
 અશ્વિની વૈષ્ણવે ડિઝાઇન લિંક્ડ ઇન્સેન્ટિવ્સ (DLI 2.0) ની જાહેરાત કરતા કહ્યું કે, ભારત હવે માઇક્રોકન્ટ્રોલર્સ, સેન્સર્સ અને પાવર મેનેજમેન્ટ જેવા મહત્વના છ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઉપરાંત, સેમિકન્ડક્ટર અને સ્પેસ સેક્ટરમાં કામ કરતા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે 'ડીપ ટેક એવોર્ડ્સ' શરૂ કરવામાં આવશે, જેની પ્રથમ આવૃત્તિ નવેમ્બર 2026 માં યોજાશે. મંત્રીએ ઉમેર્યું કે હવે વૈશ્વિક કંપનીઓ ભારતમાં રોકાણ કરવા ઉત્સુક છે કારણ કે તેઓ આ ઐતિહાસિક પ્રગતિમાં પાછળ રહેવા માંગતી નથી.

(9:02 PM IST)