<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

ઈન્ટરનેટ પર ‘નિહિલિસ્ટ’ પેંગ્વિનનો ક્રેઝ: પોતાની વસાહત છોડી મોતની મુસાફરીએ નીકળેલા પક્ષીની ક્લિપ વાયરલ

‘ડેથ માર્ચ’ કરતી પેંગ્વિન યુવાનો માટે બની અસ્તિત્વની કટોકટીનું પ્રતીક: વ્હાઈટ હાઉસે શેર કરેલા AI ફોટો બાદ વિવાદ વધ્યો

બેંગલુરુ : સોશિયલ મીડિયા પર અત્યારે એક પેંગ્વિનનો વિડીયો ‘જંગલની આગ’ની જેમ ફેલાઈ રહ્યો છે, જેને લોકો ‘નિહિલિસ્ટ’ (શૂન્યવાદી) પેંગ્વિન તરીકે ઓળખાવી રહ્યા છે. 2007ની એક ડોક્યુમેન્ટરી ‘એનકાઉન્ટર્સ એટ ધ એન્ડ ઓફ ધ વર્લ્ડ’ની આ જૂની ક્લિપમાં એક પેંગ્વિન સમુદ્ર અને પોતાની વસાહતથી દૂર, 70 કિલોમીટર અંદરના પહાડો તરફ એકલું ચાલતું જોવા મળે છે. જ્યાં ન તો ખોરાક છે, ન જીવવાની કોઈ આશા.
વૈજ્ઞાનિક રીતે આ એક ‘નેવિગેશનલ એરર’ એટલે કે દિશા ભૂલવાની દુઃખદ ઘટના છે, પરંતુ ઈન્ટરનેટ યુઝર્સ તેને માનવીય લાગણીઓ સાથે જોડી રહ્યા છે. યુવાનો આ પેંગ્વિનને આધુનિક જીવનના ‘બર્નઆઉટ’, માનસિક થાક અને ‘ઉંદર દોડ’ (Rat Race) થી દૂર ભાગવાની ઈચ્છાના પ્રતીક તરીકે જોઈ રહ્યા છે. આ પક્ષીની શાંત ‘ડેથ માર્ચ’ લોકોમાં એટલી લોકપ્રિય થઈ છે કે તેને ‘શાંત બળવો’ અને જીવનના અર્થની શોધ સાથે સરખાવવામાં આવી રહી છે.
વ્હાઈટ હાઉસની પોસ્ટ અને વિજ્ઞાનનો વિવાદ
આ ટ્રેન્ડ ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે વ્હાઈટ હાઉસે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક AI-જનરેટેડ છબી શેર કરી, જેમાં તેઓ આ પેંગ્વિન સાથે ગ્રીનલેન્ડના પહાડો તરફ ચાલતા જોવા મળે છે. જોકે, આ પોસ્ટ બાદ વ્હાઈટ હાઉસ ટ્રોલ થયું હતું, કારણ કે વૈજ્ઞાનિક રીતે પેંગ્વિન માત્ર દક્ષિણ ગોળાર્ધમાં (એન્ટાર્કટિકા) જોવા મળે છે, જ્યારે ગ્રીનલેન્ડ ઉત્તર ધ્રુવ પાસે છે.
નિષ્ણાતો જણાવે છે કે આ પેંગ્વિન કોઈ અસ્તિત્વની કટોકટી (Existential Crisis) ને કારણે નહીં, પણ શારીરિક બીમારી અથવા દિશાભ્રમ થવાને કારણે પહાડો તરફ ગયું છે. તેને પકડીને પાછું વસાહતમાં છોડવામાં આવે તો પણ તે ફરી પહાડો તરફ જ વળે છે, જે અંતે ભૂખ અને ઠંડીથી તેના મૃત્યુનું કારણ બને છે. વિજ્ઞાન ગમે તે કહે, પરંતુ દુનિયાભરના લોકો આ ‘એકલા મુસાફર’ પેંગ્વિનમાં પોતાની જ કોઈ અધૂરી ઈચ્છા અને એકલતા જોઈ રહ્યા છે.

(10:09 PM IST)