<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

થલપતિ વિજયની છેલ્લી ફિલ્મ ‘જાના નાયગન’ ફરી કાયદાકીય ગૂંચમાં: મદ્રાસ હાઈકોર્ટના નવા આદેશથી રિલીઝ પર લટકતી તલવાર

સેન્સર બોર્ડની અપીલ માન્ય: U/A સર્ટિફિકેટ આપવાના આદેશ પર સ્ટે, ધાર્મિક લાગણી દુભાવવાના આરોપસર ફિલ્મ મુશ્કેલીમાં

ચેન્નાઈ : તમિલ સુપરસ્ટાર અને 'તમિલગા વેત્રી કઝગમ' (TVK) પક્ષના વડા થલપતિ વિજયની કારકિર્દીની છેલ્લી ફિલ્મ ગણાતી 'જાના નાયગન' ની રિલીઝને લઈને ચાલી રહેલા વિવાદમાં આજે મોટો વળાંક આવ્યો છે. મદ્રાસ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ની અપીલને મંજૂરી આપી છે, જેનાથી ફિલ્મને અગાઉ મળેલું U/A સર્ટિફિકેટ હવે રદબાતલ જેવી સ્થિતિમાં આવી ગયું છે.
મુખ્ય ન્યાયાધીશ મણીન્દ્ર મોહન શ્રીવાસ્તવની આગેવાની હેઠળની બેન્ચે સિંગલ જજના તે આદેશને પડકારતી અપીલ ગ્રાહ્ય રાખી છે, જેમાં ફિલ્મને સર્ટિફિકેટ આપવા નિર્દેશ અપાયો હતો. કોર્ટે અવલોકન કર્યું કે CBFC ને તેમનો પક્ષ રજૂ કરવા માટે પૂરતો સમય આપવો જોઈતો હતો. હવે આ મામલો ફરીથી નવી સુનાવણી માટે સિંગલ જજ પાસે મોકલવામાં આવ્યો છે. આ કાયદાકીય લડાઈને કારણે ફેન્સની આતુરતા હવે ચિંતામાં ફેરવાઈ છે.
શું છે વિવાદનું મુખ્ય કારણ?
'જાના નાયગન' અસલમાં 9 જાન્યુઆરીએ પોંગલના તહેવાર પર રિલીઝ થવાની હતી, પરંતુ સેન્સર બોર્ડે ફિલ્મને મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હતો. બોર્ડના મતે, ફિલ્મમાં કેટલાક એવા દ્રશ્યો છે જે ‘ધાર્મિક લાગણીઓને સંભવિત રીતે ઠેસ પહોંચાડી શકે છે’. નિર્માતાઓએ આ મામલે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, પરંતુ CBFC અડગ રહ્યું છે કે ફિલ્મને રિવાઇઝિંગ કમિટીની તપાસમાંથી પસાર થવું જ પડશે.
થલપતિ વિજય રાજકારણમાં સંપૂર્ણ સમય માટે સક્રિય થાય તે પહેલાં આ તેમની અંતિમ ફિલ્મ છે, જેના માટે તેમણે અધધ 100 કરોડથી વધુ ફી લીધી હોવાની ચર્ચા છે. એક તરફ વિજયના લાખો ચાહકો તેમની છેલ્લી ફિલ્મ જોવા આતુર છે, તો બીજી તરફ કાયદાકીય ગૂંચવણો અને સેન્સર બોર્ડના વાંધા ફિલ્મના ભાવિ પર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે કોર્ટની આગામી સુનાવણીમાં આ ફિલ્મ ‘ક્લીન ચીટ’ મેળવી શકે છે કે નહીં.

(10:11 PM IST)