<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

યુપીના રાજકારણમાં ભારે ખળભળાટ: PM મોદી અને સીએમ યોગીના અપમાનથી દુઃખી થઈ GST કમિશનરનું રાજીનામું

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના ‘પાયાવિહોણા’ આરોપો સામે અધિકારીનો આક્રોશ: બરેલીમાં પણ મેજિસ્ટ્રેટનું રાજીનામું અને સસ્પેન્શન

અયોધ્યા : રામનગરી અયોધ્યાના જીએસટી (GST) કમિશનર પ્રશાંત કુમાર સિંહે મંગળવારે પોતાના પદ પરથી અચાનક રાજીનામું આપીને હલચલ મચાવી દીધી છે. સામાન્ય રીતે અધિકારીઓ સરકાર સામે નારાજગી જતાવતા હોય છે, પરંતુ પ્રશાંત કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સમર્થનમાં પોતાનો હોદ્દો ત્યાગી દીધો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ દ્વારા સરકાર પર લગાવવામાં આવેલા પાયાવિહોણા આરોપોથી તેઓ અત્યંત આહત થયા છે.
પ્રશાંત કુમારે જણાવ્યું કે, "જ્યારે મેં જોયું કે મારા મુખ્યમંત્રી અને વડાપ્રધાનનું અપમાન થઈ રહ્યું છે, ત્યારે મેં નૈતિક જવાબદારી સ્વીકારી રાજ્યપાલને રાજીનામું મોકલી આપ્યું છે." આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે પ્રયાગરાજ માઘ મેળા દરમિયાન શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને તેમની પાલખી સાથે પવિત્ર સ્નાન કરતા અટકાવવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા હતા. આ ઘટના બાદ સરકાર અને સંતો સામસામે આવી ગયા છે.
બરેલીમાં મેજિસ્ટ્રેટનો બળવો: ‘બ્રાહ્મણ વિરોધી ઝુંબેશ’નો આક્ષેપ
બીજી તરફ, બરેલીના સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ પણ આક્રમક વલણ અપનાવતા રાજીનામું આપ્યું હતું, જોકે સરકારે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. અગ્નિહોત્રીએ સરકાર પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે યુપીમાં ‘બ્રાહ્મણ વિરોધી ઝુંબેશ’ ચાલી રહી છે અને માઘ મેળામાં સાધુ-સંતો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી છે. તેમણે UGCના નવા નિયમો સામે પણ નારાજગી વ્યક્ત કરી છે.
ઉમા ભારતીની એન્ટ્રી: મધ્યસ્થીની કરી અપીલ
આ વિવાદમાં ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ઉમા ભારતીએ પણ ઝંપલાવ્યું છે. તેમણે કહ્યું કે શંકરાચાર્ય પાસેથી તેમના પદના પુરાવા માંગવા એ શિષ્ટાચારનું ઉલ્લંઘન છે, પરંતુ સાથે જ સ્પષ્ટ કર્યું કે તેઓ સીએમ યોગી વિરુદ્ધ નથી. ઉમા ભારતીએ સરકાર અને શંકરાચાર્ય વચ્ચેના ટકરાવનો વહેલી તકે સુખદ ઉકેલ લાવવા વિનંતી કરી છે. યુપીમાં વહીવટી અધિકારીઓના આ રીતે રાજીનામા પડવાથી રાજકીય ગરમાવો વધી ગયો છે.

(10:16 PM IST)