<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

કર્ણાટકમાં ‘રેતી માફિયા’નો બેફામ આતંક: ગૃહમંત્રીએ કબૂલાત કરતા કહ્યું, "બધા પક્ષોના મોટા માથાઓ સામેલ છે"

મહિલા ધારાસભ્યને ઘરમાં ઘૂસીને અપાઈ ધમકી: વિધાનસભામાં ગુંજ્યો રાયચુરનો રેતી ખનન વિવાદ, સિસ્ટમ લાચાર

બેંગલુરુ : કર્ણાટક વિધાનસભામાં આજે રેતી ખનન મુદ્દે ભારે ગરમાવો જોવા મળ્યો હતો. રાયચુર જિલ્લાના દેવદુર્ગા મતવિસ્તારના જેડી(એસ) મહિલા ધારાસભ્ય કરેમ્મા નાયકને રેતી માફિયાઓ દ્વારા આપવામાં આવેલી ધમકીનો મુદ્દો ગૃહમાં ઉછળ્યો હતો. આ મામલે જવાબ આપતા ગૃહમંત્રી જી. પરમેશ્વરે અત્યંત ચોંકાવનારી કબૂલાત કરી હતી કે, ગેરકાયદેસર રેતી ખનન એ એક મોટો વ્યવસાય છે અને તેમાં તમામ રાજકીય પક્ષોના પ્રભાવશાળી લોકો સામેલ છે.
ધારાસભ્ય કરેમ્મા નાયકે ભારે હૈયે ગૃહમાં પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, "હું આ માફિયાઓ સામે પ્રામાણિકપણે લડી રહી છું, પરંતુ તે શક્ય બનતું નથી. ગુંડાઓ મારા ઘરે આવીને મને ધમકી આપી રહ્યા છે. કૃષ્ણા નદીમાંથી રેતીની ચોરી થઈ રહી છે, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે અને મહિલાઓ સુરક્ષિત અનુભવતી નથી." તેમણે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, જે લોકો ધમકી આપવા આવ્યા હતા તેમની સુરક્ષામાં પોલીસ જોવા મળી હતી, જે શરમજનક છે.
"એક દિવસમાં આ રોકવું અશક્ય છે" - ગૃહમંત્રી
ગૃહમંત્રી જી. પરમેશ્વરે આ પરિસ્થિતિને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કહ્યું કે, આ પ્રવૃત્તિ માત્ર એક જિલ્લા પૂરતી મર્યાદિત નથી પણ વર્ષોથી આખા રાજ્યમાં ચાલી રહી છે. તેમણે ધારાસભ્યને સુરક્ષાની ખાતરી આપતા કહ્યું કે, "અમે તમારી સાથે છીએ, પરંતુ આ નેટવર્ક એટલું ઊંડું છે કે તેને એક દિવસમાં રોકી શકાય તેમ નથી."
વિધાનસભા સ્પીકર યુ.ટી. ખાદેરે પણ આ બાબતે કડક વલણ અપનાવતા કહ્યું કે, કોઈની પણ ધારાસભ્યને ધમકી આપવાની હિંમત ન થવી જોઈએ અને જો સ્થાનિક પોલીસ અધિકારીઓએ પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કર્યું હોત તો આવી સ્થિતિ સર્જાત નહીં. ભાજપના વરિષ્ઠ નેતાઓએ પણ રાયચુર જિલ્લામાં ચાલી રહેલા આ 'કાળા કારોબાર' પર તાત્કાલિક લગામ લગાવવા વિનંતી કરી છે. સત્તાધારી પક્ષના જ મંત્રીએ જ્યારે તમામ પક્ષોની મિલીભગતની વાત સ્વીકારી હોય, ત્યારે હવે જોવાનું એ રહે છે કે સરકાર ખરેખર કોઈ કડક પગલાં લે છે કે કેમ.

(10:18 PM IST)