તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
બજેટ 2026ના ‘સુપર-7’ સારથિ: જાણો કોણ છે એ 7 દિગ્ગજ અધિકારીઓ જે ઘડી રહ્યા છે ભારતનું આર્થિક ભવિષ્ય
નિર્મલા સીતારમણની ‘ટીમ ઇન્ડિયા’: પ્રથમ મહિલા આર્થિક સચિવથી લઈને ટેક્સના નિષ્ણાતો સુધી, આ અમલદારોના હાથમાં છે દેશનું પાકીટ

નવી દિલ્હી : આગામી 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ જ્યારે પોતાનું સતત નવમું બજેટ રજૂ કરશે, ત્યારે સમગ્ર દેશની નજર તેમના ભાષણ પર હશે. પરંતુ આ બજેટ દસ્તાવેજ તૈયાર કરવા પાછળ નાણા મંત્રાલયના સાત અનુભવી અમલદારોની રાત-દિવસની મહેનત છુપાયેલી છે. 7.4 ટકાના અંદાજિત વિકાસ દર અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે આ ટીમ ભારતની વૃદ્ધિ વ્યૂહરચનાને આખરી ઓપ આપી રહી છે.
આ ટીમમાં સૌથી મહત્વનું નામ અનુરાધા ઠાકુરનું છે, જેઓ આર્થિક બાબતોના વિભાગના વડા છે. આ વિભાગનું નેતૃત્વ કરનાર તેઓ પ્રથમ મહિલા IAS અધિકારી છે અને બજેટના મુખ્ય શિલ્પી ગણાય છે. તેમની સાથે મહેસૂલ સચિવ અરવિંદ શ્રીવાસ્તવ છે, જેમની જવાબદારી તમારા ઈન્કમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સના દરો નક્કી કરવાની છે. લોકો આશા રાખી રહ્યા છે કે શ્રીવાસ્તવની ટીમ TDS અને કસ્ટમ્સ ડ્યુટીમાં રાહત આપી શકે છે.
ખર્ચ પર કાપ અને બેંકોની મજબૂતી પર ભાર
સરકારી તિજોરીના રક્ષક તરીકે વુમલુનમાંગ વુઆલનમ (ખર્ચ સચિવ) કામ કરી રહ્યા છે, જેઓ સબસિડી અને વિવિધ યોજનાઓમાં થતા ખર્ચ પર નજર રાખે છે. બીજી તરફ, એમ. નાગરાજુ દેશની સરકારી બેંકો અને વીમા કંપનીઓના સ્વાસ્થ્ય તેમજ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનું કામ સંભાળી રહ્યા છે.
વિનિવેશ અને ખાનગીકરણનો રોડમેપ તૈયાર કરવાની જવાબદારી અરુણીશ ચાવલા (DIPAM સચિવ) ને સોંપાઈ છે, જ્યારે જાહેર સાહસોના મૂડી ખર્ચનું સંચાલન કે. મોસેસ ચાલાઈ કરી રહ્યા છે. આ આખી પ્રક્રિયાને આર્થિક દિશા આપવાનું કામ મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરન કરી રહ્યા છે. આ સાત અધિકારીઓની વ્યુહરચના જ નક્કી કરશે કે 2026માં સામાન્ય માણસના ખિસ્સા પર કેટલો બોજ આવશે અને દેશની અર્થવ્યવસ્થા કેટલી ગતિ પકડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
