<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

F1 લેજન્ડ માઈકલ શુમાકરના સ્વાસ્થ્યમાં ચમત્કારિક સુધારો: 12 વર્ષ બાદ હવે ‘પથારીવશ’ નથી સુપરસ્ટાર

વ્હીલચેરમાં હરી-ફરી શકે છે સાત વખતના ચેમ્પિયન: 2013ના ભયાનક અકસ્માત બાદ પ્રથમ વખત હકારાત્મક સંકેતો મળ્યા

જિનીવા : ફોર્મ્યુલા વન રેસિંગના ઈતિહાસમાં સૌથી સફળ ડ્રાઈવર ગણાતા માઈકલ શુમાકરના કરોડો ચાહકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ડિસેમ્બર 2013માં ફ્રેન્ચ આલ્પ્સમાં સ્કીઈંગ દરમિયાન થયેલા જીવલેણ અકસ્માત બાદ સતત પથારીવશ રહેલા 57 વર્ષીય શુમાકર હવે પ્રગતિના દુર્લભ સંકેતો બતાવી રહ્યા છે. તાજેતરના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુમાકર હવે પથારીવશ નથી અને તેઓ વ્હીલચેરમાં બેસી શકે છે.
અહેવાલો જણાવે છે કે સાત વખતના વર્લ્ડ ચેમ્પિયનને હવે વ્હીલચેરમાં બેસાડીને આસપાસ ફેરવી શકાય છે. જોકે, તેમની પત્ની કોરિના અને તબીબી નિષ્ણાતોની એક ખાસ ટીમ હજુ પણ ચોવીસ કલાક તેમની કાળજી લઈ રહી છે. વર્ષ 2013માં મગજમાં થયેલી ગંભીર ઈજા બાદ શુમાકર ક્યારેય જાહેરમાં જોવા મળ્યા નથી અને તેમના પરિવારે તેમની ગોપનીયતા જાળવવા માટે લોખંડી બંદોબસ્ત રાખ્યો છે.
રેકોર્ડ અને વારસાની અદભૂત ગાથા
માઈકલ શુમાકરના નામે 91 ગ્રાન્ડ પ્રિકસ જીતવાનો રેકોર્ડ છે. તેમણે ફેરારી ટીમ સાથે 2000 થી 2004 દરમિયાન સતત પાંચ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. મર્સિડીઝ ટીમ પણ તેમને પોતાની સફળતાના "સ્થાપક પિતા" માને છે. નોંધનીય છે કે, વર્ષ 2024માં શુમાકરની અંગત આઠ ઘડિયાળોની હરાજી $4.4 મિલિયન (આશરે ₹36 કરોડથી વધુ) માં થઈ હતી, જ્યારે જે ફેરારી કારમાં તેઓ 2003માં ચેમ્પિયન બન્યા હતા, તે 2022માં $15 મિલિયનમાં વેચાઈ હતી.
શુમાકરના સ્વાસ્થ્યને લગતા આ સમાચાર રમત જગતમાં નવી આશા જગાડનારા છે. પરિવારના સભ્યોએ હજુ પણ આ બાબતે સત્તાવાર મૌન સેવ્યું છે, પરંતુ નજીકના સૂત્રોના આ અહેવાલોથી સાબિત થાય છે કે 'ફ્લાઈંગ જર્મન' તરીકે જાણીતા આ ડ્રાઈવરે જિંદગીની રેસમાં પણ હાર માની નથી.

(10:24 PM IST)