હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહારમાં સુરક્ષાનું નવું ગણિત: તેજસ્વી યાદવનું સુરક્ષા કવચ ઘટ્યું, ગિરિરાજ સિંહ અને નીતિન નવીન બન્યા વધુ સુરક્ષિત
ગૃહ વિભાગનો સપાટો: વિરોધ પક્ષના નેતા તેજસ્વી અને શત્રુઘ્ન સિંહાની સુરક્ષામાં કાપ : જ્યારે ભાજપના નવા સુકાની નીતિન નવીનને હવે 'Z' શ્રેણીનો ઘેરો : રાજકીય ગલિયારાઓમાં તેજ બની ચર્ચાઓ.

પટના:બિહારના રાજકીય ફલક પર નેતાઓની સુરક્ષાને લઈને રાજ્યના ગૃહ વિભાગે એક અત્યંત મહત્વપૂર્ણ અને ચોંકાવનારો આદેશ જારી કર્યો છે. ૧૬ જાન્યુઆરીએ મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકના આધારે લેવાયેલા આ નિર્ણય મુજબ, રાજ્યના વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવની સુરક્ષામાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે તેજસ્વી યાદવ 'Z' શ્રેણીને બદલે 'Y' શ્રેણીની સુરક્ષા હેઠળ રહેશે, જોકે તેમની સાથે એસ્કોર્ટ વાહન યથાવત રાખવામાં આવ્યું છે. આ આદેશની નકલ પોલીસ મહાનિદેશક (DGP) ને મોકલી દેવામાં આવી છે, જે બાદ રાજ્યના રાજકારણમાં સુરક્ષાના પ્રોટોકોલને લઈને નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
એક તરફ વિપક્ષી નેતાઓની સુરક્ષા ઘટી છે, તો બીજી તરફ સત્તાધારી પક્ષ અને કેન્દ્રના મંત્રીઓનું સુરક્ષા કવચ વધુ મજબૂત કરવામાં આવ્યું છે. ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને કેન્દ્રીય મંત્રી લલ્લન સિંહને હવે અત્યંત સુરક્ષિત એવી 'Z' શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવશે. તેવી જ રીતે, આક્રમક નિવેદનો માટે જાણીતા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહની સુરક્ષામાં વધારો કરીને તેમને 'Y+' શ્રેણી આપવામાં આવી છે, જેમાં હવે ખાસ એસ્કોર્ટ વાહનનો પણ સમાવેશ થશે. સુરક્ષા સમિતિના મતે નેતાઓ પર રહેલા સંભવિત ખતરાના વિશ્લેષણ બાદ આ ફેરફાર કરવામાં આવ્યા છે.
માત્ર તેજસ્વી જ નહીં, પરંતુ બોલિવૂડના 'બિહારી બાબુ' શત્રુઘ્ન સિંહા અને પૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમારના સુરક્ષા ઘેરામાં પણ કાપ મૂકવામાં આવ્યો છે. શત્રુઘ્ન સિંહાની સુરક્ષા 'Z' થી ઘટાડીને 'Y' કરી દેવાઈ છે, જ્યારે મીરા કુમારને હવે માત્ર 'X' શ્રેણીની સુરક્ષા મળશે. બીજી તરફ, AIMIM ના નેતા અખ્તરુલ ઇમાન અને JDU ધારાસભ્ય ભગવાન સિંહ કુશવાહાને નવી 'Y' શ્રેણીની સુરક્ષા આપીને ચોંકાવ્યા છે. બિહારમાં આગામી ચૂંટણીઓની તૈયારીઓ વચ્ચે નેતાઓના સુરક્ષા કવચમાં થયેલો આ ફેરફાર માત્ર વહીવટી પ્રક્રિયા છે કે રાજકીય દબાણ, તે અત્યારે પટનાના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
