<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

નકલી બિયારણના ખેલ ખતમ: કેન્દ્ર સરકારનો નવો કાયદો : હલકી ગુણવત્તાના બિયારણ વેચનારને ₹30 લાખનો દંડ અને જેલ

૧૯૬૬ના જૂના કાયદાના સ્થાને નવું 'સીડ બિલ' તૈયાર: બિયારણના પેકેટ પર QR કોડથી ટ્રેકિંગ થશે : ઉત્પાદનથી ડિલિવરી સુધીની તમામ વિગતો આંગળીના ટેરવે હશે : ખેડૂતોની આજીવિકા સાથે રમત કરનારાઓ હવે બચી શકશે નહીં

નવી દિલ્હી:  ભારતના કૃષિ ક્ષેત્રમાં શુદ્ધતા અને પારદર્શિતા લાવવા માટે કેન્દ્ર સરકાર એક ઐતિહાસિક પગલું ભરી રહી છે. વર્ષોથી ખેડૂતોને નકલી અને હલકી ગુણવત્તાવાળા બિયારણ પધરાવીને તેમની મહેનત પર પાણી ફેરવતા તત્વો સામે હવે 'બ્રહ્માસ્ત્ર' જેવો નવો બીજ કાયદો આવી રહ્યો છે. ૧૯૬૬ના જૂના કાયદામાં દંડની રકમ માત્ર પાંચસો રૂપિયા જેવી નજીવી હતી, જેના કારણે ગુનેગારો બેફામ બન્યા હતા. પરંતુ હવે, જો કોઈ કંપની કે વિક્રેતા નોંધણી વગર અથવા હલકી ગુણવત્તાનું બિયારણ વેચતા પકડાશે, તો તેમને ૩ વર્ષ સુધીની જેલ અને ₹૩૦ લાખ સુધીના તોતિંગ દંડનો સામનો કરવો પડશે. આ નવો કાયદો આગામી બજેટ સત્રમાં રજૂ થવાની પૂરી શક્યતા છે.

આ નવા કાયદાની સૌથી મોટી વિશેષતા 'ડિજિટલ ટ્રેસેબિલિટી' છે. હવે બજારમાં મળતા બિયારણના દરેક પેકેટ પર એક QR કોડ હશે. જ્યારે ખેડૂત આ કોડ સ્કેન કરશે, ત્યારે તેને ખબર પડી જશે કે આ બિયારણ કયા ખેતરમાં ઉગ્યું, કયા યુનિટમાં પ્રોસેસ થયું અને કયા ડીલર દ્વારા વેચવામાં આવ્યું છે. આ પારદર્શિતાને કારણે નકલી બિયારણના વેપાર પર કાયમી બ્રેક લાગશે. કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સ્પષ્ટ કર્યું છે કે બિયારણ એ માત્ર વસ્તુ નથી પણ ખેડૂતનો વિશ્વાસ છે, અને આ વિશ્વાસ તોડનારાઓને હવે કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં.

રસપ્રદ વાત એ છે કે, આ કાયદો કડક હોવા છતાં ખેડૂતોની પરંપરાગત રીતભાતને કોઈ નુકસાન પહોંચાડશે નહીં. ગામડાઓમાં ખેડૂતો જે રીતે પોતે બિયારણ તૈયાર કરે છે અથવા એકબીજાને આપે છે, તે પરંપરા સુરક્ષિત રહેશે. સરકારનો મુખ્ય ટાર્ગેટ તે નફાખોર કંપનીઓ અને એજન્ટો છે જે નકલી પેકેજિંગ કરીને હલકી ગુણવત્તાના બીજ વેચે છે. તમામ નર્સરીઓ અને બીજ ઉત્પાદક એકમો માટે નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે, જેનાથી સમગ્ર પુરવઠા શૃંખલા (Supply Chain) જવાબદાર બનશે. આ કાયદો ભારતીય ખેતીના ભવિષ્ય માટે એક સુરક્ષા કવચ સાબિત થશે.

(10:31 PM IST)