<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

અફઘાનિસ્તાન 'મધ્યયુગ'માં પાછું ધકેલાયું: તાલિબાને ગુલામીની પ્રથાને કાયદેસર બનાવી: મૌલવીઓને ગુનાઓમાંથી 'આઝાદી'

માનવતા શરમાઈ: તાલિબાનના નવા ફોજદારી કાયદામાં 'ગુલામ' અને 'માલિક' શબ્દોનો સત્તાવાર ઉપયોગ, સમાજને ચાર વર્ગોમાં વહેંચીને મુલ્લાઓ માટે સજાના દરવાજા બંધ કર્યા

કાબુલ:  ૨૧મી સદીમાં જ્યારે દુનિયા મંગળ પર પહોંચવાની વાતો કરી રહી છે, ત્યારે અફઘાનિસ્તાન તાલિબાનના શાસન હેઠળ સેંકડો વર્ષ પાછળ ધકેલાઈ ગયું છે. જાન્યુઆરી ૨૦૨૬માં તાલિબાનના સુપ્રીમ લીડર મુલ્લા હિબતુલ્લાહ અખુંદઝાદાએ એક એવા કાનૂની દસ્તાવેજને મંજૂરી આપી છે જે સાંભળીને પણ રુંવાડા ઉભા થઈ જાય. નવા ફોજદારી કાયદામાં 'ગુલામી'ને સત્તાવાર માન્યતા આપવામાં આવી છે. આ કાયદાકીય કોડમાં "ગુલામ" અને "માલિક" જેવા શબ્દોનો વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જે સૂચવે છે કે હવે અફઘાનિસ્તાનમાં માણસોની ખરીદ-વેચાણ અને તેમને બંધક બનાવી રાખવાને કાયદેસરનું પીઠબળ મળશે.

તાલિબાનનો આ નવો કોડ માત્ર ગુલામી જ નહીં, પણ વર્ગવિગ્રહને પણ પ્રોત્સાહન આપે છે. કલમ ૯ મુજબ, અફઘાન સમાજને ઉલેમા, અશરફ, મધ્યમ અને નીચલા એમ ચાર અસમાન વર્ગોમાં વહેંચી દેવાયો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ટોચ પર બેઠેલા મુલ્લાઓ અને મૌલવીઓને કોઈ પણ ગુના માટે સજા કરવામાં આવશે નહીં; તેમને માત્ર 'ચેતવણી' આપીને છોડી દેવામાં આવશે. બીજી તરફ, નીચલા વર્ગના સામાન્ય નાગરિકોને એ જ ગુના માટે આકરી જેલ અને શારીરિક યાતનાઓ ભોગવવી પડશે. આ ભેદભાવ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન છે અને માનવ ગૌરવ પર સીધો હુમલો છે.

વિશ્વભરની સંસ્થાઓ અને અફઘાનિસ્તાનના પૂર્વ એટર્ની જનરલ મોહમ્મદ ફરીદ હમીદીએ આ કાયદાને "મધ્ય યુગ કરતાં પણ ખરાબ" ગણાવ્યો છે. મહિલાઓના શિક્ષણ પર પ્રતિબંધ અને પુસ્તકો પર સેન્સરશિપ લાદ્યા બાદ તાલિબાન હવે આખા દેશને કેદખાનામાં ફેરવી રહ્યું છે. 'રાવદારી' નામની માનવાધિકાર સંસ્થાએ ચેતવણી આપી છે કે આ કાયદો મહિલાઓ, બાળકો અને લઘુમતીઓના અધિકારોને કાયમ માટે કચડી નાખશે. અફઘાનિસ્તાનમાં સમાનતાના સિદ્ધાંતોનું ખૂન કરીને તાલિબાન જે રીતે 'બર્બરતા'ને કાયદેસર બનાવી રહ્યું છે, તેનાથી વૈશ્વિક સ્તરે આ શાસન સામે ભારે ફિટકાર વરસી રહ્યો છે.

(10:31 PM IST)