હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગૃહમંત્રી અમિતભાઈ શાહની ગર્જના - "સનાતન મૂલ્યોનું અપમાન કરનારાઓ માટે સત્તાના દ્વાર હવે કાયમ માટે બંધ, સંતોના આશીર્વાદ વગર ગાદી અશક્ય"
ભગવાન સ્વામિનારાયણ રચિત ‘શિક્ષાપત્રી’ના ૨૦૦ વર્ષની ઉજવણીમાં ગૃહમંત્રીનો વિપક્ષ પર આડકતરો પ્રહાર : પીએમ મોદીના નેતૃત્વમાં સાંસ્કૃતિક વારસાના પુનરુત્થાન અને રામ મંદિર નિર્માણને સરકારની મોટી ઉપલબ્ધિ ગણાવી

ગાંધીનગર, તા. 27 જાન્યુઆરી : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના જતન અંગે અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા રચિત પવિત્ર ગ્રંથ ‘શિક્ષાપત્રી’ના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત આ કાર્યક્રમમાં શાહે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જે સરકાર સનાતન પરંપરાનું અપમાન કરે છે અથવા તેના અનુયાયીઓને નિરાશ કરે છે, તે ક્યારેય ફરીથી સત્તામાં પરત ફરી શકતી નથી.
સંતોના આશીર્વાદ અને સનાતન ગૌરવ:
અમિતભાઈએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આઝાદી પછી લાંબા સમય સુધી સનાતનીઓ એવી સરકારની પ્રતીક્ષા કરતા રહ્યા જે ધર્મને ઉચિત સન્માન આપે. તેમણે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, સંતોના આશીર્વાદથી જ દેશમાં સત્તા પ્રાપ્ત થાય છે અને હવે એવી કોઈ સરકાર નહીં આવે જે સનાતન ધર્મના અનુયાયીઓને ઠેસ પહોંચાડે. જોકે તેમણે કોઈ પક્ષ કે નેતાનું નામ લીધું ન હતું, પરંતુ તેમના આ નિવેદનના રાજકીય વર્તુળોમાં ઘણા માયના કાઢવામાં આવી રહ્યા છે.
પીએમ મોદીના ૧૧ વર્ષના શાસનની સિદ્ધિઓ:
ગૃહમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રશંસા કરતા કહ્યું કે, ગુજરાતના સપૂતે છેલ્લા ૧૧ વર્ષથી દેશનું નેતૃત્વ કરીને પ૫૦ વર્ષ જૂનું ભગવાન રામનું મંદિર નિર્માણ કરાવ્યું છે. આ ઉપરાંત કાશી વિશ્વનાથ, બદ્રીનાથ, કેદારનાથ અને સોમનાથ જેવા તીર્થસ્થાનોના પુનરુત્થાન, અનુચ્છેદ ૩૭૦ની નાબૂદી, ટ્રિપલ તલાકની સમાપ્તિ અને સમાન નાગરિક સંહિતા (UCC) તરફના ડગને તેમણે સરકારની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રતિબદ્ધતા ગણાવી હતી.
શિક્ષાપત્રી: જીવનનું નૈતિક બંધારણ:
ઈ.સ. ૧૮૨૬માં રચાયેલી ‘શિક્ષાપત્રી’ના મહત્વ પર ભાર મૂકતા શાહે તેને ‘જીવન માટેનું નૈતિક બંધારણ’ ગણાવ્યું હતું. ૨૧૨ સંસ્કૃત શ્લોકો ધરાવતો આ ગ્રંથ અહિંસા, શુદ્ધતા, આહાર અને નૈતિક આચરણની શીખ આપે છે. તેમણે કહ્યું કે ભગવાન સ્વામિનારાયણે બ્રિટિશ શાસન દરમિયાન પગપાળા યાત્રા કરીને સમાજમાં વ્યાપેલી કુરિવાજો અને વ્યસનો સામે સુધારાનું અભૂતપૂર્વ કાર્ય કર્યું હતું, જે આજે પણ તેટલું જ પ્રાસંગિક છે.
આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, મહંતો અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા, જેમના સાનિધ્યમાં શાહે ભારતના ભવ્ય વારસાને જીવંત રાખવાનો સંકલ્પ દોહરાવ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
