હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુરોપની અમેરિકા પરની ગેસ નિર્ભરતા ઘટશે: 10 દેશો વચ્ચે દરિયાઈ પવન ઉર્જાનો ‘મહા-કરાર’
ઉત્તર સમુદ્રમાં 100 ગીગાવોટ પવન ઉર્જા પેદા કરવાનો પ્લાન: 5 કરોડ ઘરોને મળશે સસ્તી અને પ્રદૂષણમુક્ત વીજળી

લંડન : રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ઉર્જા સંકટનો સામનો કરી રહેલા યુરોપિયન દેશોએ હવે અમેરિકાના લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) પરની નિર્ભરતા ઘટાડવા માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. બ્રિટન, જર્મની, ફ્રાન્સ અને નેધરલેન્ડ સહિતના 10 યુરોપિયન દેશોએ ઉત્તર સમુદ્રમાં (North Sea) વિશાળ ‘ઓફશોર વિન્ડ નેટવર્ક’ વિકસાવવા માટે ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ નેટવર્ક દ્વારા 100 ગીગાવોટ જેટલી પ્રચંડ વીજળી પેદા કરવામાં આવશે, જે અંદાજે 5 કરોડથી વધુ ઘરોની જરૂરિયાત પૂરી કરવા માટે સક્ષમ હશે.
વર્ષ 2050 સુધીમાં 300 ગીગાવોટ પવન ઉર્જા પેદા કરવાના લક્ષ્ય તરફ આ એક મોટું ડગલું છે. ખાસ કરીને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના ‘ઉર્જા પ્રભુત્વ’ના પ્રયાસો અને રશિયાના ગેસ સપ્લાયમાં આવેલા વિક્ષેપ બાદ યુરોપ હવે ઉર્જા બાબતે આત્મનિર્ભર બનવા માંગે છે. હાલમાં બ્રિટન અને યુરોપિયન યુનિયન પોતાની કુલ LNG આયાતમાં 57% હિસ્સો અમેરિકા પાસેથી મેળવે છે. આ નવા વિન્ડ પ્રોજેક્ટથી ગેસની આયાતમાં નોંધપાત્ર ઘટાડો થશે અને યુરોપની ઉર્જા સુરક્ષા મજબૂત બનશે.
બહુરાષ્ટ્રીય ગ્રીડથી ખર્ચમાં 30% નો ઘટાડો થશે
આ કરારની સૌથી મોટી વિશેષતા એ છે કે પવન ઉર્જાના ફાર્મ્સને અલગ-અલગ દેશો સાથે કેબલ દ્વારા જોડવામાં આવશે. નિષ્ણાતોના મતે, જ્યારે જર્મનીમાં પવન ઓછો હોય ત્યારે યુકે પવન ઉર્જા સપ્લાય કરી શકશે અને જ્યારે યુકેમાં પવન ન હોય ત્યારે અન્ય દેશો મદદ કરશે. આ ‘આંતરરાષ્ટ્રીય ગ્રીડ’ ને કારણે વીજળીનો બગાડ અટકશે અને વર્ષ 2040 સુધીમાં વીજળીના ખર્ચમાં 30% જેટલો જંગી ઘટાડો થવાની સંભાવના છે.
આ મેગા પ્રોજેક્ટ માત્ર વીજળી જ નહીં, પરંતુ રોજગારીની પણ મોટી તકો લાવશે. અંદાજ મુજબ આ યોજનાથી 91,000 નવી નોકરીઓનું સર્જન થશે અને યુરોપના અર્થતંત્રમાં આશરે 1 ટ્રિલિયન યુરો જેટલી આર્થિક પ્રવૃત્તિ વેગવંતી બનશે. જોકે, આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે તમામ દેશોએ પોતાના સબસિડીના નિયમો અને ટેક્સના કાયદાઓ સમાન બનાવવા પડશે, જે આગામી સમયમાં એક મોટો પડકાર બની શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
