હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હવે પોસ્ટ ઓફિસમાં ખુલશે ડીમેટ ખાતા: સંચાર મંત્રાલય અને સ્ટોક હોલ્ડિંગ લિમિટેડ વચ્ચે ઐતિહાસિક કરાર
ગામડાંના લોકો પણ શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં કરી શકશે રોકાણ: ઇન્ડિયા પોસ્ટના નેટવર્ક દ્વારા નાણાકીય ક્રાંતિ લાવવાની તૈયારી

નવી દિલ્હી : ભારતના ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં રહેતા નાગરિકોને મૂડી બજાર (શેરબજાર) સાથે જોડવા માટે સંચાર મંત્રાલયે આજે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. મંત્રાલયે 'સ્ટોક હોલ્ડિંગ સર્વિસીસ લિમિટેડ' (SSL) સાથે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય ઇન્ડિયા પોસ્ટની વિશાળ પહોંચ અને લોકોના વિશ્વાસનો ઉપયોગ કરીને છેવાડાના માનવી સુધી સુરક્ષિત રોકાણની સેવાઓ પહોંચાડવાનો છે.
આ કરાર હેઠળ, હવે નાગરિકો પસંદગીની પોસ્ટ ઓફિસ પર જઈને અથવા ડિજિટલ QR કોડ અને લિંક્સ દ્વારા SSL ની વિવિધ સેવાઓનો લાભ લઈ શકશે. આ સેવાઓમાં ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવા, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું, આઈપીઓ (IPO) માં ભાગ લેવો અને અન્ય માન્ય રોકાણ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ પહેલથી શેરબજારમાં રોકાણ કરવાની પ્રક્રિયા સામાન્ય લોકો માટે વધુ સરળ અને વિશ્વાસપાત્ર બનશે.
નાણાકીય સાક્ષરતા પર અપાશે ભાર
માત્ર ખાતા ખોલવા જ નહીં, પરંતુ સ્ટોક હોલ્ડિંગ લિમિટેડ ટપાલ વિભાગના સહયોગથી રોકાણકાર શિક્ષણ અને નાણાકીય સાક્ષરતા કાર્યક્રમો પણ ચલાવશે. ખાસ કરીને પ્રથમ વખત રોકાણ કરનારા ગ્રામીણ નાગરિકોને શેરબજારના જોખમો અને ફાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવશે, જેથી તેઓ સમજી-વિચારીને રોકાણ કરી શકે.
નોંધનીય છે કે સ્ટોક હોલ્ડિંગ સર્વિસીસ લિમિટેડ એ SEBI દ્વારા માન્યતા પ્રાપ્ત વિશ્વસનીય બ્રોકર છે. પોસ્ટ ઓફિસ જેવા ભરોસાપાત્ર માધ્યમ દ્વારા જ્યારે શેરબજારની સેવાઓ ઉપલબ્ધ થશે, ત્યારે દેશમાં 'નાણાકીય સમાવેશીકરણ' (Financial Inclusion) ને મોટો વેગ મળશે અને લોકો બચતની સાથે સંપત્તિ સર્જન તરફ વળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
