<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

વિધવાઓના હક માટે ઐતિહાસિક ચુકાદો: પુનર્લગ્ન પછી પણ પતિનું પેન્શન ચાલુ રહેશે : હાઈકોર્ટે સામાજિક સુરક્ષા પર લગાવી મહોર

દિલ્હી હાઈકોર્ટનો માનવતાવાદી અભિગમ: નિઃસંતાન વિધવાને આર્થિક રીતે લાચાર ન છોડી શકાય : પુનર્લગ્ન એ સામાજિક સુરક્ષાનો ભાગ : નિયમ ૫૪ ની બંધારણીય માન્યતા યથાવત રાખતા પેન્શન રોકવાની અરજી ફગાવી

નવી દિલ્હી:  દેશમાં વિધવા મહિલાઓની સામાજિક અને આર્થિક સુરક્ષાને લઈને દિલ્હી હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કેન્દ્ર સરકારના કોઈ કર્મચારીનું અવસાન થાય અને તેની વિધવા નિઃસંતાન હોય, તો તે મહિલા પુનર્લગ્ન કર્યા પછી પણ તેના સ્વર્ગસ્થ પતિનું 'કૌટુંબિક પેન્શન' મેળવવા માટે સંપૂર્ણ હકદાર રહેશે. જસ્ટિસ અનિલ ક્ષેત્રપાલ અને અમિત મહાજનની બેન્ચે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) રૂલ્સના નિયમ ૫૪ ને સમર્થન આપતા જણાવ્યું કે, આ જોગવાઈ વિધવાઓને માત્ર નાણાકીય સહાય જ નથી આપતી, પરંતુ તેમને ગરિમાપૂર્ણ જીવન જીવવા અને સમાજમાં ફરીથી સ્થાયી થવા માટે પ્રોત્સાહિત પણ કરે છે.

આ કેસની વિગત મુજબ, CRPF ના એક શહીદ જવાનની વિધવાએ પુનર્લગ્ન કરતા તેના સાસુ-સસરાએ પેન્શન પર દાવો ઠોક્યો હતો. માતા-પિતાની દલીલ હતી કે લગ્ન બાદ મહિલાનો સૈનિક સાથેનો સંબંધ પૂરો થઈ જાય છે, તેથી પેન્શન પર તેમનો હક હોવો જોઈએ. જોકે, હાઈકોર્ટે આ દલીલોને ધરાર ફગાવી દીધી હતી. કોર્ટે ટાંક્યું કે કૌટુંબિક પેન્શન એ કોઈ વારસાગત મિલકત નથી, પરંતુ એક કાયદાકીય સામાજિક સુરક્ષા લાભ છે. જ્યાં સુધી શહીદની પત્ની જીવિત છે, ત્યાં સુધી પેન્શન મેળવવાની પ્રથમ પસંદગી તેની જ રહેશે. કોર્ટે એ પણ નોંધ્યું કે ખાસ કરીને સશસ્ત્ર દળોના જવાનો દેશ માટે બલિદાન આપે છે, ત્યારે તેમના આશ્રિતોને નિરાધાર છોડી શકાય નહીં.

કોર્ટના આ ચુકાદા પાછળનો હેતુ વિધવા મહિલાઓના પુનર્લગ્નને સામાજિક પ્રોત્સાહન આપવાનો છે. બેન્ચે કહ્યું કે જો પેન્શન બંધ થવાના ડરથી કોઈ વિધવા પુનર્લગ્ન ન કરે, તો તે તેની આર્થિક અને સામાજિક અસુરક્ષામાં વધારો કરે છે. સરકારની આ નીતિનો હેતુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે, જેથી તેઓ પુનર્લગ્ન બાદ પણ પોતાની નાણાકીય જરૂરિયાતો માટે કોઈના પર નિર્ભર ન રહે. આ નિર્ણયથી દેશભરની હજારો વિધવા મહિલાઓને મોટી રાહત મળશે અને સામાજિક ન્યાયના ક્ષેત્રમાં આ એક નવી મિસાલ કાયમ કરશે. હવે વિધવાઓ પેન્શન ગુમાવવાના ભય વિના નવી જિંદગીની શરૂઆત કરી શકશે.

(10:30 PM IST)