હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાશ્મીરના સોનમર્ગમાં રાત્રે ભયાનક હિમસ્ખલન: બરફના તોફાને હોટલોને લપેટમાં લીધી, સીસીટીવીમાં દ્રશ્યો કેદ: ન્યુઝ ફર્સ્ટ
કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં વિખ્યાત પર્યટન સ્થળ સોનમાર્ગમાં મંગળવારે રાત્રે ૧૦:૧૩ વાગ્યે કુદરતનો પ્રકોપ જોવા મળ્યો, સદનસીબે જાનહાનિ ટળી પરંતુ ભારે હિમવર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત : ભારે બરફવર્ષાને કારણે કાશ્મીરનો સંપર્ક દેશના અન્ય ભાગો સાથે તૂટી ગયો: જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પણ રસ્તા પર જમા થયેલા બરફને કારણે બંધ કરી દેવામાં આવ્યો: જેના કારણે હજારો વાહનો અટવાઈ પડ્યા

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ સોનમર્ગમાં મંગળવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં આવેલા સોનમર્ગમાં રાત્રે અંદાજે ૧૦:૧૩ વાગ્યે ભારે હિમસ્ખલન (એવલોન્ચ) થયું હતું. આ કુદરતી આફત એટલી પ્રચંડ હતી કે પળવારમાં જ બરફના ડુંગરો ધસી પડ્યા હતા અને આસપાસની ઇમારતોને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' અને અન્ય ડિજિટલ માધ્યમો પર આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે, જેમાં બરફનું એક વિશાળ તોફાન હોટલો અને ઈમારતો તરફ ધસી આવતું સ્પષ્ટ દેખાય છે.
આ ભયાનક દ્રશ્યો જોઈને સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક અહેવાલો મુજબ, જ્યાં આ હિમસ્ખલન થયું તે વિસ્તારમાં ટ્રક યાર્ડ અને કેટલીક હોટલો આવેલી છે. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે પર્વત પરથી બરફનો એક મોટો જથ્થો નીચે ધસી આવ્યો હતો અને તેણે રસ્તામાં આવતી ઈમારતોને ઢાંકી દીધી હતી. જોકે, રાહતના સમાચાર એ છે કે વહીવટી તંત્ર અને પોલીસના જણાવ્યા અનુસાર આટલી મોટી દુર્ઘટના હોવા છતાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર મળ્યા નથી.
સ્થાનિક સત્તાવાળાઓએ તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી માટે ટીમોને એલર્ટ કરી દીધી છે અને નુકસાનનો અંદાજ મેળવવામાં આવી રહ્યો છે.
છેલ્લા ચોવીસ કલાકથી કાશ્મીર ખીણમાં સતત થઈ રહેલી ભારે હિમવર્ષાને કારણે સ્થિતિ વિકટ બની છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા અગાઉથી જ ગાંદરબલ સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમસ્ખલનની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. ખાસ કરીને ૨૦૦૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારો માટે 'હાઈ ડેન્જર' એલર્ટ આપવામાં આવ્યું હતું. આ ચેતવણી સાચી સાબિત થઈ છે અને સોનમર્ગમાં આ ઘટના બની છે.
ભારે બરફવર્ષાને કારણે કાશ્મીરનો સંપર્ક દેશના અન્ય ભાગો સાથે તૂટી ગયો છે. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પણ રસ્તા પર જમા થયેલા બરફને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે હજારો વાહનો અટવાઈ પડ્યા છે.
આ ઉપરાંત હવામાનની વિપરીત અસર હવાઈ મુસાફરી પર પણ પડી છે. શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે તમામ ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી. રનવે પર જમા થયેલા બરફ અને ખરાબ વિઝિબિલિટીના કારણે વિમાનોનું ઉડાન ભરવું જોખમી હતું.
પ્રશાસને પર્યટકો અને સ્થાનિક લોકોને સલાહ આપી છે કે તેઓ હિમસ્ખલન સંભવિત વિસ્તારોમાં જવાનું ટાળે અને જ્યાં સુધી હવામાન સાફ ન થાય ત્યાં સુધી સુરક્ષિત સ્થળોએ જ રહે. પોલીસ અને સુરક્ષા દળો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે અને કોઈ પણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. સોનમર્ગની આ ઘટના બાદ આસપાસના ગામોમાં પણ તકેદારી વધારી દેવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
