<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

ટેક્સાસમાં આવેલી નોકરીઓ પર પ્રથમ અધિકાર અમેરિકન નાગરિકોનો: અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં એચ-વન બી વિઝા પર મોટો પ્રતિબંધ: ગવર્નર ગ્રેગ એબોટનો આદેશ: ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક

પ્રતિબંધ ૩૧ મે, ૨૦૨૭ સુધી અમલમાં: આગામી દોઢ વર્ષ સુધી ટેક્સાસની કોઈ પણ રાજ્ય સરકાર હસ્તકની એજન્સી કે યુનિવર્સિટી નવા વિદેશી કર્મચારીઓને એચ-વન બી વિઝા હેઠળ નોકરી પર રાખી શકશે નહીં

ટેક્સાસ: અમેરિકામાં નોકરી કરતા અથવા નોકરીની આશા રાખીને બેઠેલા લાખો ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે એક અત્યંત માઠા સમાચાર સામે આવ્યા છે. 

 

અમેરિકાના ટેક્સાસ રાજ્યના ગવર્નર ગ્રેગ એબોટે રાજ્યની તમામ સરકારી એજન્સીઓ અને પબ્લિક યુનિવર્સિટીઓમાં નવા એચ-વન બી વિઝાની અરજીઓ પર તાત્કાલિક અસરથી રોક લગાવવાનો આદેશ જારી કર્યો છે. આ નિર્ણયને કારણે અમેરિકામાં સ્થાયી થવા અને કામ કરવા ઈચ્છતા કુશળ કામદારો, ખાસ કરીને ટેકનોલોજી ક્ષેત્રે સંકળાયેલા ભારતીયોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, ગવર્નર ગ્રેગ એબોટે આ પ્રતિબંધ લાદવા પાછળનું મુખ્ય કારણ અમેરિકન નાગરિકો માટે રોજગારીની તકો સુરક્ષિત રાખવાનું ગણાવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, "ટેક્સાસમાં આવેલી નોકરીઓ પર પ્રથમ અધિકાર અમેરિકન નાગરિકોનો હોવો જોઈએ." 

 

ગવર્નરના કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે આ રોક કામચલાઉ નથી, પરંતુ લાંબા ગાળા માટે છે. સત્તાવાર જાહેરાત મુજબ, આ પ્રતિબંધ ૩૧ મે, ૨૦૨૭ સુધી અમલમાં રહેશે. એટલે કે, આગામી દોઢ વર્ષ સુધી ટેક્સાસની કોઈ પણ રાજ્ય સરકાર હસ્તકની એજન્સી કે યુનિવર્સિટી નવા વિદેશી કર્મચારીઓને એચ-વન બી વિઝા હેઠળ નોકરી પર રાખી શકશે નહીં.

 

ગવર્નર એબોટે રાજ્યની તમામ એજન્સીઓને કડક નિર્દેશ આપ્યા છે કે તેઓ નવા એચ-વન બી વિઝાની અરજી પ્રક્રિયાને તાત્કાલિક ધોરણે અટકાવી દે. તેમનું માનવું છે કે ફેડરલ પ્રોગ્રામનો કથિત રીતે દુરુપયોગ થઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક અમેરિકન કામદારોને અન્યાય થઈ રહ્યો છે. ગવર્નરનું કહેવું છે કે આ નિર્ણયથી ફેડરલ પ્રોગ્રામના દુરુપયોગ પર લગામ લાગશે અને અમેરિકન નોકરીઓ અમેરિકન વર્કર્સને જ મળશે તે સુનિશ્ચિત થશે.

 

આ નિર્ણયની સૌથી વધુ અસર ભારતીય ટેકનોલોજી નિષ્ણાતો અને ટેક્સાસની યુનિવર્સિટીઓમાં ભણતા અને ત્યાં જ રિસર્ચ કે એકેડેમિક ક્ષેત્રે કરિયર બનાવવા માંગતા વિદ્યાર્થીઓ પર પડશે. ટેક્સાસ એ અમેરિકાનું મોટું ટેક હબ ગણાય છે, અને ત્યાં અનેક મોટી સરકારી સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ આવેલી છે. 

 

જો કે, આ આદેશ ખાનગી કંપનીઓ પર લાગુ પડશે કે કેમ તે અંગેની વિગતોમાં સ્પષ્ટતા નથી, પરંતુ રાજ્ય સરકારના આ વલણથી એકંદરે ઈમિગ્રેશન પોલિસી કડક થવાના સંકેતો મળી રહ્યા છે, જે ભવિષ્યમાં ખાનગી ક્ષેત્રને પણ પ્રભાવિત કરી શકે છે.

(10:03 AM IST)