<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

વંદેભારત સ્‍લીપર ટ્રેનમાં થર્ડ એસીનું મિનિમમ ભાડું રૂ.૯૬૦ નક્કી કરાયું

ઓછી મુસાફરી હશે તો પણ ભાડું ૪૦૦ કિલોમીટરનું જ વસૂલવામાં આવશે : ફર્સ્‍ટ એસીના રૂ.૧,૫૨૦, સેકન્‍ડના રૂ.૧,૨૪૦ ભાડાનો દર નક્કી કરવામાં આવ્‍યો

મુંબઇ તા.૨૮: વંદે ભારત સ્‍લીપર ટ્રેન આગામી દિવસોમાં દોડાવવામાં આવનાર છે. તે પહેલાં તેના ભાડાના દરનું ધારાધોરણ નક્કી કરવામાં આવ્‍યું છે. તેમાં મુસાફરે ૪૦૦ કિલોમીટર સુધીનું ઓછામાં ઓછું ભાડું ચુકવવાનું રહેશે. તેમજ સમગ્ર ટ્રેનમાં વેઇટિગ લીસ્‍ટ જ રાખવામાં નહીં આવે તેવી જાહેરાત રેલવે તંત્ર દ્વારા કરવામાં આવી છે.

જોકે આરએસીની પણ વ્‍યવસ્‍થા ટ્રેનમાં રાખવામાં આવનાર નથી. તેના કારણે તમામ મુસાફરને કન્‍ફર્મ સીટ મળી રહે તેવી દેશની સૌથી પહેલી ટ્રેન વંદે ભારત દોડાવવામાં આવનાર છે.

દેશની સૌથી સફળ ટ્રેન તરીકે ઓળખાતી વંદે ભારત ટ્રેન હાલમાં સિટીંગ ક્ષમતા સાથે દોડાવવામાં આવી રહી છે. તેમજ આગામી દિવસોમાં વંદે ભારત સ્‍લીપર ટ્રેન દોડાવવામાં આવનાર છે. તે માટેનો ટ્રાયલ રન પણ પૂર્ણ કરી દેવામાં આવ્‍યો છે. જેથી ટ્રેનમાં ભાડાનો દર કેટલો રાખવામાં આવશે તેની સત્તાવાર જાહેરાત રેલવે તંત્ર દ્વારા કરવામાં આવી છે. તેમાં થર્ડ એસી માટે રૂ.૯૬૦, સેકન્‍ડ એસી માટે રૂ.૧,૨૪૦ અને ફર્સ્‍ટ એસી માટે રૂ.૧,૫૨૦ વસૂલ કરવામાં આવનાર છે. જોકે રેલવે તંત્ર દ્વારા હજુ સુધી વંદે ભારત સ્‍લીપર ટ્રેન કયા રૂટ પર દોડાવવામાં આવનાર છે તેની જાહેરાત કરી નથી. પરંતુ ભાડાંનો દર નક્કી કરી દેવામાં આવ્‍યો હોવાના કારણે આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત કરીને દેશની પહેલી સ્‍લીપર વંદેભારત ટ્રેન દોડાવવામાં આવશે.(૩૮.૧૭)

રાજધાની, અગસ્‍ત ક્રાંતિ કરતા ભાડાંનો દર ઓછો રહેશે

હાલમાં વંદે ભારત સિવાય અન્‍ય ટ્રેન દોડાવવામાં આવી રહી છે તે ટ્રેનના ભાડાંનો દર અને વંદે ભારતના ભાડાના દરમાં ખાસ્‍સો તફાવત છે. વંદે ભારત સ્‍લીપર ટ્રેનમાં ૪૦૦ કિલોમીટર સુધીનું ભાડું મિનિમમ રખાતા સુરતથી રતલામ ૩૮૭ કિલોમીટર થાય છે. જેથી સુરતથી રતલામનું અન્‍ય ટ્રેનમાં થર્ડ એસીનું ભાડું રૂ.૭૩૫, સેકન્‍ડ એસીના રૂ.૧,૦૩૫ અને ફર્સ્‍ટ એસીના રૂ.૧,૬૮૦ વસુલવામાં આવે છે. જ્‍યારે રાજધાનીમાં થર્ડ એસીના ૩૧,૩૭૦, સેકન્‍ડ એસીના રૂ.૧,૮૧૫ અને ફર્સ્‍ટ એસીના રૂ.૨.૨૪૦ ભાડુ વસુલવામાં આવતું હોય છે, જેથી રાજધાની સિવાયની ટ્રેનમાં ભાડું વધુ ચુકવવું પડશે.

સિનિયર સિટીઝનને નીચેની સીટ મળી રહે તેવી વ્‍યવસ્‍થા કરાશે વંદે ભારતમાં સિનિયર સિટીઝન એટલે કે ૬૦ વર્ષ અને તેના કરતા વધુ વય ધરાવતા પુરુષ અને ૪૫ વર્ષ અને તેના કરતા વધુ વય ધરાવતી મહિલાને લોઅર બર્થ એટલે કે નીચેની સીટ જ મળી રહે તેવી પણ વ્‍યવસ્‍થા કરાશે. કારણ કે સિનિયર સિટીઝનને તેની ઉપરની સીટની ફાળવણી કરવામાં આવે તો તે સીટ પર બેસવામાં તેઓને તકલીફ પડી શકે તેમ હોવાથી સિસ્‍ટમમાં જ એવી ગોઠવણ કરાશે.

(10:32 AM IST)