<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

અજિત પવારના નિધનથી મહારાષ્‍ટ્ર ‘દાદા' વિહોણું: ત્રણ દિવસનો રાજ્‍ય શોક જાહેર

 

મુંબઈ, તા.૨૮: મહારાષ્‍ટ્રના રાજકારણના અજેય યોદ્ધા અને જનતાના લોકપ્રિય દાદા અજિત પવાર હવે આપણી વચ્‍ચે રહ્યા નથી. મુંબઈથી બારામતી જવા નીકળેલું તેમનું ખાનગી ચાર્ટર્ડ વિમાન ઉતરાણ વખતે દુર્ઘટનાગ્રસ્‍ત થતાં આ કરુણ અકસ્‍માત સર્જાયો હતો. પ્રત્‍યક્ષદર્શીઓના જણાવ્‍યા મુજબ, વિમાન ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્‍યારે જ અચાનક ડગમગવા લાગ્‍યું અને જોતજોતામાં જમીન પર પટકાઈને આગના ભીષણ ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ અકસ્‍માત એટલો ભયાનક હતો કે પવાર સહિત વિમાનમાં સવાર તમામ લોકોના ઘટનાસ્‍થળે જ નિધન થયા હતા. બારામતી, જે અજિત પવારની રાજકીય કર્મભૂમિ અને ગઢ ગણાય છે, ત્‍યાં જ સર્જાયેલી આ કાળમુખી દુર્ઘટનાએ સૌને હચમચાવી દીધા છે.

અજિત પવારના નિધનના સમાચાર વાયુવેગે ફેલાતા જ સમગ્ર મહારાષ્‍ટ્રમાં સ્‍તબ્‍ધતા છવાઈ ગઈ છે. રાજ્‍ય સરકાર દ્વારા તાત્‍કાલિક અસરથી ત્રણ દિવસનો રાજ્‍ય શોક જાહેર કરવામાં આવ્‍યો છે, જે દરમિયાન તમામ સરકારી ઇમારતો પર રાષ્‍ટ્રધ્‍વજ અડધી કાઠીએ લહેરાશે અને કોઈ પણ સત્તાવાર મનોરંજનના કાર્યક્રમો યોજાશે નહીં. મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેએ આ ઘટનાને મહારાષ્‍ટ્ર માટે અપૂરણીય ખોટ ગણાવી છે. મહારાષ્‍ટ્રના વહીવટ પર મજબૂત પકડ અને સ્‍પષ્ટવક્‍તા સ્‍વભાવ માટે જાણીતા અજિત પવારે છ વખત નાયબ મુખ્‍યમંત્રી તરીકે સેવા આપી હતી. તેમના જવાથી રાજ્‍યના રાજકારણમાં એક એવો શૂન્‍યાવકાશ સર્જાયો છે જેની ભરપાઈ કરવી અશકય છે.

(4:09 PM IST)