હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

વડોદરા, તા. 28 જાન્યુઆરી : બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો ૯૨મો જન્મજયંતી મહોત્સવ આગામી ૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ સોમવારના રોજ વડોદરાના આંગણે અત્યંત દબદબાભેર ઉજવવામાં આવશે. નેશનલ હાઈવે-૪૮ પર એ.પી.એમ.સી. માર્કેટ નજીક તૈયાર કરાયેલા વિશાળ મહોત્સવ સ્થળે સાંજે ૫.૦૦ થી ૮.૦૦ દરમિયાન લાખો ભક્તોની ઉપસ્થિતિમાં આ દિવ્ય મહોત્સવ સંપન્ન થશે.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા ઐતિહાસિક સન્માન:
આ મહોત્સવની સૌથી મોટી વિશેષતા એ છે કે ઈંગ્લેન્ડથી ખાસ પધારેલા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારીઓ દ્વારા સ્વામીશ્રીને બે વિશિષ્ટ બહુમાનપત્રો એનાયત કરવામાં આવશે:
૧. સંસ્કૃત શ્લોક મુખપાઠ: મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી ૧૫,૦૦૦થી વધુ બાળકોએ ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના ૩૧૫ શ્લોકોનો મુખપાઠ કર્યો છે, જે એક અનોખો રેકોર્ડ છે.
૨. વિશ્વ વિક્રમી મંદિર નિર્માણ: પ્રમુખસ્વામી મહારાજે તેમના જીવનકાળ દરમિયાન ૧૨૦૦થી વધુ મંદિરોનું નિર્માણ કર્યું હતું. આ અદ્વિતીય સાંસ્કૃતિક સિદ્ધિ બદલ પ્રમુખસ્વામી મહારાજ વતી મહંત સ્વામી મહારાજ આ વિશ્વવિક્રમનું સન્માન સ્વીકારશે.
મહોત્સવ પૂર્વેના વિવિધ પ્રકલ્પો:
૯૨મા જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષમાં વડોદરામાં અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સુરસાગર તળાવ ખાતે ૧૨૯૨ બાળકો દ્વારા વિશ્વશાંતિ યજ્ઞ, જબલપુરથી વડોદરા સુધી ૯૨ યુવાનો દ્વારા મશાલયાત્રા, ૧૪૦ ઔદ્યોગિક એકમોમાં મહાપૂજા અને મહારક્તદાન કેમ્પનો સમાવેશ થાય છે. મહિલા પ્રવૃત્તિ દ્વારા ૭૨૦૦ પ્રેરણા સભાઓ યોજાઈ હતી, જ્યારે હરિભક્તોએ રૂબરૂ ૧ લાખ ઘરોમાં જઈને મહોત્સવનું નિમંત્રણ પાઠવ્યું હતું.
૩૫૦ એકરમાં ભવ્ય આયોજન:
મહોત્સવ સ્થળ પર અંદાજે ૨ લાખથી વધુ હરિભક્તો ઉમટી પડશે તેવી શક્યતા છે. ૧૪,૦૦૦ સ્વયંસેવકો રાત-દિવસ સેવા આપી રહ્યા છે. જે ભક્તો રૂબરૂ ઉપસ્થિત નહીં રહી શકે તેમના માટે આસ્થા ભજન ચેનલ અને સંસ્થાની વેબસાઈટ (live.baps.org) પર લાઈવ પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી છે. ન્યૂજર્સી અક્ષરધામથી લઈ અબુ ધાબી મંદિર સુધી સનાતન ધર્મનો જયઘોષ કરનારા મહંત સ્વામી મહારાજના આ મહોત્સવને લઈને સમગ્ર વિશ્વના સત્સંગ સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM