<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

પત્ની પર 'વર્જિનિટી ટેસ્ટ' માટે દબાણ કરી શકાય નહીં: હાઈકોર્ટે પતિની અજીબોગરીબ માંગને ફગાવી

"સેક્સ નથી કર્યું" તે સાબિત કરવા મેડિકલ તપાસની અરજી એટલે સ્ત્રીનું અપમાન; હાઈમેનની સ્થિતિ શારીરિક સંબંધના પુરાવા ન હોઈ શકે: મધ્યપ્રદેશ હાઈકોર્ટ.

ભોપાલ, તા. 28 : પત્ની શારીરિક સંબંધ બાંધવાની ના પાડે છે તેવું સાબિત કરવા માટે તેની 'વર્જિનિટી ટેસ્ટ' કરાવવાની માંગ કરતા પતિને મધ્યપ્રદેશ હાઈકોર્ટે જોરદાર ફટકાર લગાવી છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ આવી તપાસ કરાવવી એ તેની ગરિમા અને ન્યાયિક વલણોની વિરુદ્ધ છે.
તબીબી વિજ્ઞાનનો ટાંક્યો હવાલો
જસ્ટિસ વિવેક જૈને આ મામલે ઐતિહાસિક આદેશ આપતા જણાવ્યું કે, સ્ત્રીના 'હાઇમેન'ની સ્થિતિના આધારે તેણે સેક્સ કર્યું છે કે નહીં તે નક્કી કરવું વૈજ્ઞાનિક રીતે પણ ખોટું છે. કોર્ટે નોંધ્યું કે ઘણીવાર શારીરિક રમતગમત કે અન્ય પ્રવૃત્તિઓને કારણે પણ હાઇમેનને નુકસાન થઈ શકે છે, જ્યારે બીજી તરફ જાતીય સંભોગ પછી પણ તે અકબંધ રહી શકે છે. તેથી, આ પ્રકારની તપાસ કોઈ નક્કર પુરાવો પૂરો પાડી શકતી નથી.
શું હતો સમગ્ર મામલો?
આ કેસમાં પતિએ ફેમિલી કોર્ટમાં દાવો કર્યો હતો કે તેની પત્ની તેની સાથે ક્રૂરતા કરી રહી છે અને શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કરે છે. બીજી તરફ, પત્નીએ આક્ષેપ કર્યો હતો કે તેને દહેજ માટે હેરાન કરવામાં આવે છે અને પતિએ તેની સાથે અકુદરતી સેક્સનો પ્રયાસ કર્યો હતો. પોતાની વાત સાબિત કરવા માટે પતિએ પત્નીની મેડિકલ તપાસ (વર્જિનિટી ટેસ્ટ) ની માંગ કરી હતી.
ફેમિલી કોર્ટ બાદ હાઈકોર્ટમાં પણ ઝાટકો
અગાઉ ફેમિલી કોર્ટે પણ પતિની આ અરજી ફગાવી દીધી હતી, જેની વિરુદ્ધમાં તે હાઈકોર્ટ પહોંચ્યો હતો. હાઈકોર્ટે આ અપીલને નકારી કાઢતા કહ્યું કે, પતિની આ માંગણી પત્ની પર વર્જિનિટી ટેસ્ટ લાદવા સિવાય બીજું કંઈ નથી, જે કાયદાકીય રીતે માન્ય નથી. આ ચુકાદાએ ફરી એકવાર સ્ત્રીના શારીરિક અધિકારો અને તેની મર્યાદાના રક્ષણ પર મહોર મારી છે.

(5:48 PM IST)