હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
NEET માં એડમિશન માટે 'બૌદ્ધ' બની ગયા? સુપ્રીમ કોર્ટ લાલચોળ, કહ્યું– "આ તો નવી જાતની છેતરપિંડી છે!"
હરિયાણાના જાટ પરિવારે અનામત મેળવવા ધર્મ પરિવર્તનનો સહારો લીધો; જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે પૂછ્યું– "શું પરીક્ષા માટે જ ધર્મ બદલ્યો?"

નવી દિલ્હી, તા. 28 : મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-PG માં અનામતનો લાભ ખાટવા માટે ધર્મ પરિવર્તનનો સહારો લેનારા એક પરિવારને સુપ્રીમ કોર્ટે બરાબરનો ખખડાવ્યો છે. હરિયાણાના હિસારના એક સમૃદ્ધ પરિવારના બે બાળકોએ બૌદ્ધ લઘુમતી ક્વોટા હેઠળ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવાની કોશિશ કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની બેન્ચે આકરી નારાજગી વ્યક્ત કરી હતી.
લઘુમતીઓના અધિકાર છીનવવાનો પ્રયાસ
સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંતે અરજદારોને ફટકાર લગાવતા કહ્યું કે, "આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. તમે સાચા લઘુમતીઓના અધિકારો છીનવી લેવા માંગો છો. તમે દેશના સૌથી ધનિક વિસ્તારોમાંથી એકમાંથી આવો છો, તમારે તમારી ક્ષમતા પર ગર્વ હોવો જોઈએ." કોર્ટે આ સમગ્ર પ્રક્રિયાને 'છેતરપિંડીનું નવું સ્વરૂપ' ગણાવ્યું હતું.
પરીક્ષા સમયે જ કેમ જાગ્યો ધર્મપ્રેમ?
કેસની વિગતો મુજબ, કૃષ્ણા પુનિયાના સંતાનો નીતિન અને એકતા જન્મથી સામાન્ય (General) શ્રેણીમાં આવે છે. જોકે, ઉત્તર પ્રદેશની એક મેડિકલ કોલેજમાં બૌદ્ધ લઘુમતી ક્વોટાનો લાભ લેવા માટે તેમણે હિસારના સબ-ડિવિઝનલ ઓફિસર પાસેથી બૌદ્ધ લઘુમતી હોવાનું પ્રમાણપત્ર મેળવ્યું હતું. જસ્ટિસ બાગચીએ સવાલ કર્યો હતો કે, "શું તમે બરાબર પરીક્ષા પહેલા જ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો?" કોર્ટે એ પણ નોંધ્યું કે જ્યારે તેમણે ફોર્મ ભર્યું ત્યારે તેઓ સામાન્ય શ્રેણીના હતા, તો અચાનક લઘુમતી કેવી રીતે બની ગયા?
તંત્રની ભૂમિકા સામે સવાલ, હરિયાણા સરકાર પાસે જવાબ મંગાયો
સુપ્રીમ કોર્ટે માત્ર પરિવાર જ નહીં, પણ પ્રમાણપત્ર આપનાર તંત્ર સામે પણ લાલ આંખ કરી છે. કોર્ટે પૂછ્યું કે હિસારના સબ-ડિવિઝનલ ઓફિસરે તપાસ કર્યા વિના આવા પ્રમાણપત્રો કેવી રીતે જારી કરી દીધા? આ મામલે જવાબદારી નક્કી કરવા માટે કોર્ટે હરિયાણાના મુખ્ય સચિવને રાજ્યમાં લઘુમતી પ્રમાણપત્રો જારી કરવા માટેની માર્ગદર્શિકા પર સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે.
આ કિસ્સો દેશમાં અનામતનો લાભ મેળવવા માટે થઈ રહેલી ગેરરીતિઓ પર મોટો સવાલ ઊભો કરે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
