<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

શેરબજારમાં દિવાળી : રોકાણકારોની મિલકતમાં એક જ દિવસમાં ₹6 લાખ કરોડનો તોતિંગ વધારો : સેન્સેક્સ-નિફ્ટીમાં વિસ્ફોટક તેજી

ભારત-EU વેપાર સોદાની જાદુઈ અસર: માર્કેટ બંધ થવાના અંતિમ કલાકોમાં શોર્ટ કવરિંગ અને નવી ખરીદીએ સેન્સેક્સને 82,300ની પાર પહોંચાડ્યો : BEL અને સ્ટારલાઇટ જેવા શેરોમાં રોકાણકારો માલામાલ.

નવી દિલ્હી :  ભારતીય શેરબજાર માટે બુધવારનો દિવસ શુકનવંતો સાબિત થયો છે, જ્યાં ચારેતરફ ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. ટ્રેડિંગના અંતિમ કલાકોમાં આવેલી તોફાની તેજીને કારણે BSE સેન્સેક્સ 487 પોઈન્ટ ઉછળીને 82,344 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટીએ પણ 25,300ની મહત્વની સપાટી વટાવી દીધી છે. આ ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિ (માર્કેટ કેપ) ₹453.67 લાખ કરોડથી વધીને ₹459.64 લાખ કરોડ પર પહોંચી ગઈ છે. એટલે કે, માત્ર ગણતરીના કલાકોમાં જ શેરબજારના રોકાણકારોના પોર્ટફોલિયોમાં અંદાજે ₹6 લાખ કરોડનો જંગી ઉમેરો થયો છે, જેણે બજારમાં લાંબા સમયથી ચાલી રહેલી અનિશ્ચિતતા પર બ્રેક લગાવી દીધી છે.

બજારમાં આવેલી આ તેજી પાછળનું સૌથી મોટું 'ટ્રિગર' ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેનો ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (FTA) માનવામાં આવે છે. આ સોદાથી ભારતની નિકાસ વધવાની અને કંપનીઓના ટેક્સ બોજ ઘટવાની આશાએ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે. ખાસ કરીને ડિફેન્સ અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં BEL ના શેર 9% જેટલા ઉછળ્યા હતા. મિડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકોમાં પણ જોરદાર લેવાલી જોવા મળી હતી, જેના કારણે માર્કેટની બ્રેડ્થ ખૂબ જ મજબૂત રહી. સેન્સેક્સના 30માંથી 22 શેરો લીલા નિશાનમાં બંધ થતા બજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળ્યું હતું.

શેરબજારના પટલ પર આજે કેટલાક શેરોએ તો ૨૦% સુધીની ઉપલી સર્કિટ લગાવીને આશ્ચર્યચકિત કરી દીધા હતા. સ્ટારલાઇટના શેરમાં ૨૦%નો ઉછાળો જોવા મળ્યો, જ્યારે તેજસ નેટવર્ક્સ અને ડેટા પેટર્ન્સ જેવા શેરો પણ ૧૩ થી ૧૫% વધ્યા હતા. નિષ્ણાતોના મતે, બજાર બંધ થવાના સમયે જે રીતે લાર્જ-કેપ શેરોમાં આક્રમક ખરીદી થઈ છે, તે જોતા આગામી દિવસોમાં પણ તેજી યથાવત રહી શકે છે. જોકે, મારુતિ અને ઇન્ફોસિસ જેવા શેરોમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ઓવરઓલ માર્કેટ તેજીના મૂડમાં હોવાથી રોકાણકારોમાં અત્યારે ખુશીની લહેર છે.

(6:46 PM IST)