<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

સુપ્રીમ કોર્ટનો 'ચાબખો': ઝારખંડનો નસબંધીનો ડેટા નકલી ઠર્યો : રખડતા કૂતરા મામલે રાજ્યોને સુપ્રીમ કોર્ટની જોરદાર ફટકાર

૨ મહિનામાં ૧.૬ લાખ કૂતરાઓની નસબંધીનો દાવો જોઈ જજ ભડક્યા: આસામમાં કરડવાના આંકડાએ મચાવ્યો ખળભળાટ: "હવામાં કિલ્લા ન ચણો જમીન પર કામ કરો" : શાળાઓ અને હોસ્પિટલોમાંથી કૂતરાઓને તાત્કાલિક હટાવવા આદેશ.

નવી દિલ્હી:  દેશમાં રખડતા કૂતરાઓના વધતા જતાં આતંક અને તેના ઉકેલ માટે રાજ્ય સરકારોની નિષ્ફળતા પર સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. બુધવારે થયેલી સુનાવણી દરમિયાન જસ્ટિસ વિક્રમ નાથની બેન્ચે વિવિધ રાજ્યો દ્વારા રજૂ કરાયેલા અહેવાલોને "આંખમાં ધૂળ નાખવા" સમાન ગણાવ્યા હતા. ખાસ કરીને ઝારખંડ સરકારના દાવાએ કોર્ટને ભારે ગુસ્સે કરી દીધી હતી. ઝારખંડ સરકારે સોગંદનામામાં જણાવ્યું હતું કે તેમણે માત્ર બે મહિનામાં ૧.૬ લાખ કૂતરાઓની નસબંધી કરી છે. આ આંકડાને સંપૂર્ણપણે બનાવટી અને અશક્ય ગણાવતા ન્યાયાધીશોએ પૂછ્યું કે, "શું કોઈ જાદુ થયો છે? એક દિવસમાં એક વાહન કેટલા કૂતરા પકડી શકે?" કોર્ટે સ્પષ્ટ કર્યું કે કાગળ પરના કિલ્લાઓથી જનતાની સુરક્ષા થઈ શકશે નહીં.

આસામ સરકારના ડેટાએ પણ કોર્ટમાં ભયનો માહોલ પેદા કર્યો હતો. આસામમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન કૂતરા કરડવાના ૧.૬૬ લાખ કેસ નોંધાયા છે, જ્યારે માત્ર જાન્યુઆરી ૨૦૨૫માં જ ૨૦,૯૦૦ થી વધુ લોકો શિકાર બન્યા છે. કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે રાજ્યમાં ૩૧૮ સ્ટેડિયમ બનાવવા માટે બજેટ છે પરંતુ કૂતરાઓ માટે એક પણ પ્રોપર આશ્રયસ્થાન (Shelter Home) નથી. હરિયાણા જેવા રાજ્યોએ તો ડેટા આપવાની તસ્દી પણ લીધી નથી. કોર્ટે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે શાળાઓ, હોસ્પિટલો અને જાહેર સ્થળો પર રખડતા કૂતરાઓનો જમાવડો બાળકો અને દર્દીઓ માટે જીવલેણ જોખમ છે, જેને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.

બીજી તરફ, ગોવા અને કેરળ જેવા પ્રવાસન રાજ્યોની સ્થિતિ પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. દરિયા કિનારા પર રખડતા કૂતરાઓના ઝુંડ પ્રવાસન ઉદ્યોગને નુકસાન પહોંચાડી રહ્યા છે. એમિકસ ક્યુરીએ જણાવ્યું કે બીચ પર માછલીઓના અવશેષો પર પલતા આ કૂતરાઓ પ્રવાસીઓ માટે જોખમી બની રહ્યા છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે તેઓ માત્ર સમય માંગવાને બદલે નક્કર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એનિમલ બર્થ કંટ્રોલ (ABC) સેન્ટરોની વિગતો રજૂ કરે. કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ મજબૂત સીમા દિવાલ બનાવવા પર પણ ભાર મૂક્યો છે જેથી માસૂમ બાળકો કૂતરાઓના શિકાર ન બને.

(6:47 PM IST)