<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

આધાર સેન્ટરના ધક્કામાંથી મુક્તિ : UIDAIએ લૉન્ચ કર્યું ‘ન્યૂ આધાર એપ’નું ફૂલ વર્ઝન : હવે ઘરે બેઠા જ મોબાઈલ નંબર અને સરનામું અપડેટ થઈ શકશે : અનેક નવી સુવિધા ઉમેરાય

૧૩ ભાષાઓમાં ઉપલબ્ધ હાઈટેક એપમાં બાયોમેટ્રિક લોક અને ફેમિલી મેનેજમેન્ટ જેવી સુવિધાઓ : ગુગલ-સેમસંગ વૉલેટમાં ડિજિટલ આધાર સાચવી શકાશે : સોશિયલ મીડિયા અને ૧૮+ વેરિફિકેશન માટે પણ ‘માસ્ટર કી’ બનશે

નવી દિલ્હી: ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાદિકરણ (UIDAI) અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી ‘ન્યૂ આધાર એપ’નું ફૂલ વર્ઝન આજે સત્તાવાર રીતે લૉન્ચ કરવામાં આવ્યું છે. નવેમ્બર ૨૦૨૫માં પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલી આ એપ હવે તમામ હાઈટેક ફીચર્સ સાથે નાગરિકો માટે ઉપલબ્ધ બની છે, જેનાથી આધાર કાર્ડ સંબંધિત કામગીરી માટે હવે ફિઝિકલ સેન્ટર પર જવાની જરૂરિયાત નહિવત થઈ જશે.
ઘરે બેઠા આંગળીના ટેરવે સુવિધાઓ:
આ નવી એપના માધ્યમથી નાગરિકો હવે ઘરે બેઠા જ પોતાના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અને રહેઠાણનું સરનામું અપડેટ કરી શકશે. એપના હોમ પેજ પર આ માટે ખાસ ડેડિકેટેડ ટેબ આપવામાં આવી છે. આ ઉપરાંત, એક જ એપમાં પરિવારના ૫ સભ્યોના આધાર કાર્ડ લિંક કરીને તેને મેનેજ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
સુરક્ષા અને બાયોમેટ્રિક લોકિંગ:
આધાર ડેટાના દુરુપયોગને રોકવા માટે એપમાં ‘બાયોમેટ્રિક લોકિંગ’ની સુવિધા છે. યુઝર્સ પોતાના ફિંગરપ્રિન્ટ, ફેસ સ્કેન અને આઈરિસ (આંખની પુતલી) ડેટાને લોક કરી શકશે. વળી, યુઝર્સ પોતાના જૂના ઓથેન્ટિકેશન હિસ્ટ્રી પણ ચેક કરી શકશે. સુરક્ષાના ભાગરૂપે જો ફોન ચોરાઈ જાય તો એપ આપોઆપ લોગ-આઉટ થઈ જશે.
નવી આધાર યુટિલિટીઝ અને વેરિફિકેશન:
આ એપ માત્ર ઓળખપત્ર નથી પરંતુ અનેક વહીવટી પ્રક્રિયાઓમાં મદદરૂપ બનશે:
 * ઓફલાઈન વેરિફિકેશન: આધાર નંબર શેર કર્યા વગર ‘સિલેક્ટિવ શેર’ ફીચર દ્વારા ફોટો, નામ કે ઉંમર જેવી મર્યાદિત વિગતો શેર કરીને ઓળખ આપી શકાશે.
 * એજ ગેટિંગ (૧૮+ વેરિફિકેશન): ગેમિંગ, સિનેમા કે આલ્કોહોલ એક્સેસ માટે ૧૮ વર્ષથી વધુ ઉંમરનું વેરિફિકેશન આ એપ દ્વારા સેકન્ડોમાં થશે.
 * રોજિંદો ઉપયોગ: હાઉસિંગ સોસાયટીમાં મુલાકાતીઓની એન્ટ્રી, હોટેલ કે ગેસ્ટ હાઉસમાં ચેક-ઈન, બેંક અને ફિનટેક કંપનીઓમાં રિયલ ટાઈમ KYC અને કર્મચારીઓની હાજરી નોંધવા માટે આ એપનો ઉપયોગ થઈ શકશે.
 * સોશિયલ મીડિયા: સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની વિશ્વસનીયતા વધારવા માટે આઈડેન્ટિટી વેરિફિકેશન થઈ શકશે.
ડિજિટલ વૉલેટ સાથે ઈન્ટિગ્રેશન:
ટેકનોલોજી ક્ષેત્રે મોટો ફેરફાર કરતા ગુગલ (Google) અને સેમસંગ (Samsung) એ તેમના નેટિવ વૉલેટમાં ડિજિટલ આધારને સ્થાન આપ્યું છે, જ્યારે એપલ (Apple) ટૂંક સમયમાં આ સુવિધા જોડશે. આનાથી નાગરિકો કોઈપણ ફિઝિકલ કાર્ડ વગર માત્ર ફોન દ્વારા જ પોતાની સત્તાવાર ઓળખ આપી શકશે.
૧૩ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ આ એપ ભારતની વિવિધતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જે ડિજિટલ ઇન્ડિયાના સપનાને વધુ મજબૂત બનાવશે.

(6:49 PM IST)