હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સંસદમાં શક્તિશાળી સંબોધન: 'ઓપરેશન સિંદૂર'થી આતંકવાદને જવાબ અને ગરીબો માટે 4 કરોડ આવાસની ભેટ!
બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિએ સરકારની સિદ્ધિઓ વર્ણવી; 'વંદે માતરમ'ના ઉલ્લેખ સમયે વિપક્ષના હોબાળાથી રાજકારણ ગરમાયું.

નવી દિલ્હી: બજેટ સત્રના પ્રારંભે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિકસિત ભારતના સંકલ્પ અને સુરક્ષાની રણનીતિ પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં 'ઓપરેશન સિંદૂર'નો ખાસ ઉલ્લેખ કરીને પાડોશી દેશ અને આતંકવાદી સંગઠનોને કડક સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, "વિશ્વએ ભારતીય સેનાનું શૌર્ય જોયું છે, જ્યારે આપણે આપણા સંસાધનોનો ઉપયોગ કરીને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો."
ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓનો વરસાદ
રાષ્ટ્રપતિએ છેલ્લા દાયકાના વિકાસ કાર્યોનો હિસાબ રજૂ કરતા જણાવ્યું કે, સરકારે ગરીબો માટે ૪ કરોડ પાકા મકાનો બનાવ્યા છે અને માત્ર છેલ્લા વર્ષમાં જ ૩૨ લાખ નવા ઘરો ફાળવ્યા છે. 'જલ જીવન મિશન' હેઠળ ૧૨.૫ કરોડ પરિવારોને નળ દ્વારા પાણી પહોંચાડવાની સિદ્ધિ અને ઉજ્જવલા યોજના હેઠળ ૧૦ કરોડ LPG કનેક્શનની સફળતાને તેમણે બિરદાવી હતી. તેમણે ઉમેર્યું કે, ૨૦૧૪ સુધી જે સામાજિક સુરક્ષા ૨૫ કરોડ લોકો પાસે હતી, તે આજે વધીને ૯૫ કરોડ લોકો સુધી પહોંચી છે.
આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ: સિંધુ જળ સંધિનો ઉલ્લેખ
આતંકવાદ સામેની લડાઈને વધુ તેજ બનાવતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, ભારત પરના કોઈપણ હુમલાનો નિર્ણાયક જવાબ આપવામાં આવશે. તેમણે સિંધુ જળ સંધિ (Indus Water Treaty) ના સ્થગિત થવાને આતંકવાદ વિરુદ્ધની લડાઈનો ભાગ ગણાવ્યો હતો. આ ઉપરાંત, દેશની સંરક્ષણ પ્રણાલીને લોખંડી બનાવવા માટે 'મિશન સુદર્શન ચક્ર' પર કામ ચાલી રહ્યું હોવાની પણ મહત્વની જાહેરાત કરી હતી.
સંસદમાં હોબાળો: ભાજપે કરી ટીકા
જ્યારે રાષ્ટ્રપતિ મુર્મુ વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠ અને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનો ઉલ્લેખ કરી રહ્યા હતા, ત્યારે વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર અને હોબાળો શરૂ કર્યો હતો. ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ આ ઘટનાને સંસદીય શિષ્ટાચારનું ઉલ્લંઘન ગણાવતા કહ્યું કે, "કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનને વંદે માતરમ અને બંગાળની ભૂમિ પ્રત્યે આટલી નફરત કેમ છે તે સમજાતું નથી." આ હોબાળાને કારણે સંસદમાં પ્રથમ દિવસે જ ભારે ગરમાવો જોવા મળ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
