<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

પાકિસ્તાની જજનો ઐતિહાસિક લલકાર: "વડાપ્રધાનના ગેરકાયદે આદેશો પણ માનવાની જરૂર નથી, આ કોઈ રાજાશાહી નથી!"

જસ્ટિસ મોહમ્મદ હાશિમ ખાન કકરે સિસ્ટમને હચમચાવી દીધી; સરકારી નોકરીઓ કોઈની અંગત મિલકત નથી, કાયદો સર્વોપરી હોવાનું કહી અધિકારીઓને આપી કડક ચેતવણી.

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આજે એક એવી ટિપ્પણી કરી છે જેણે પાકિસ્તાનના વહીવટી અને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. એક મહત્વપૂર્ણ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ મોહમ્મદ હાશિમ ખાન કકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો દેશના વડાપ્રધાન પણ કોઈ ગેરકાયદેસર આદેશ આપે, તો સરકારી અધિકારીઓ તેનું પાલન કરવા માટે બંધાયેલા નથી. તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો કે તમારી વફાદારી કોઈ નેતા કે પદ પ્રત્યે નહીં, પણ માત્ર કાયદા પ્રત્યે હોવી જોઈએ.
શું હતો સમગ્ર મામલો?
આ વિવાદ ઓઈલ એન્ડ ગેસ ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (OGDCL) માં થયેલી ૧૪૫ ગેરકાયદેસર ભરતીઓ સાથે જોડાયેલો છે. પૂર્વ પેટ્રોલિયમ મંત્રી અનવર સૈફુલ્લાહ ખાન પર આરોપ છે કે તેમણે ૨૦૦૨ના સમયગાળામાં નિયમોની ઐસીતૈસી કરીને પોતાના રાજકીય મિત્રોને ખુશ કરવા માટે આડેધડ નોકરીઓ આપી હતી. આ કેસની સમીક્ષા અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું.
"આ કોઈ રાજાશાહી નથી"
જસ્ટિસ કકરે સુનાવણી દરમિયાન ટકોર કરી હતી કે, પાકિસ્તાન એ કોઈ રાજાશાહી નથી કે જ્યાં રાજા હુકમ કરે અને તેને તરત જ લાગુ કરી દેવામાં આવે. સરકારી વિભાગોમાં નિમણૂક કરવાની એક ચોક્કસ પ્રક્રિયા હોય છે, જેમાં જાહેરાત અને નિયમોનું પાલન ફરજિયાત છે. તેમણે PIA (પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ) નું ઉદાહરણ આપતા કહ્યું કે, આવી રાજકીય નિમણૂકોને કારણે જ સરકારી સંસ્થાઓમાં વધારાનો સ્ટાફ ભરાઈ ગયો છે અને તેમની આર્થિક સ્થિતિ ખરાબ થઈ છે.
અધિકારીઓને કડક સંદેશ
ન્યાયાધીશે અવલોકન કર્યું કે જો કોઈ અધિકારી વડાપ્રધાન કે મંત્રીના ખોટા આદેશનું પાલન કરે છે, તો તે પણ સિસ્ટમ બગાડવા માટે સમાન રીતે જવાબદાર ગણાશે. તેમણે અધિકારીઓને ડર્યા વગર કાયદાકીય રીતે કામ કરવાની સલાહ આપી છે. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી બાદ પાકિસ્તાનમાં સત્તાધીશો અને નોકરિયાતો વચ્ચેના સમીકરણો બદલાય તેવી શક્યતા જોવા મળી રહી છે.

(8:39 PM IST)