હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકાના સિએટલમાં ખુલ્યું નવું ભારતીય કોન્સ્યુલેટ સેન્ટર: પેસિફિક નોર્થવેસ્ટના ભારતીયોની મુશ્કેલીઓનો આવશે અંત
વિઝા, પાસપોર્ટ અને OCI જેવી સેવાઓ હવે એક જ છત નીચે મળશે; શનિવારે પણ સેન્ટર ચાલુ રહેતા પ્રવાસીઓને મોટી રાહત

વોશિંગ્ટન : અમેરિકાના પેસિફિક નોર્થવેસ્ટ વિસ્તારમાં વસતા હજારો ભારતીય નાગરિકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ભારત સરકારે યુએસએના સિએટલ ખાતે નવા ભારતીય કોન્સ્યુલેટ એપ્લિકેશન સેન્ટર (ICAC) ની જાહેરાત કરી છે. સિએટલના ડાઉનટાઉન વિસ્તારમાં સેકન્ડ એવન્યુ ખાતે સ્થિત આ નવું સેન્ટર હવે ભારતીય સમુદાય માટે વન-સ્ટોપ સોલ્યુશન તરીકે કામ કરશે, જેનાથી સરકારી સેવાઓ મેળવવી વધુ સરળ અને ઝડપી બનશે.
આ ભવ્ય ઉદઘાટન સમારોહમાં સરકારી મહાનુભાવોની સાથે ભારતીય-અમેરિકન સમુદાયના 300 થી વધુ અગ્રણી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કેન્દ્રમાં ભારતીય વિઝા, પાસપોર્ટ રિન્યુઅલ, ઓવરસીઝ ઇન્ડિયન સિટીઝનશિપ (OCI), પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ અને ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામ (GEP) જેવી મહત્વની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. ખાસ વાત એ છે કે હવે આ સેન્ટર શનિવારે પણ ખુલ્લું રહેશે, જે નોકરી કરતા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
VFS ગ્લોબલની આધુનિક સુવિધાઓ અને ફ્રી સર્વિસ
આ સેન્ટરનું સંચાલન VFS ગ્લોબલ દ્વારા કરવામાં આવશે, જે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે. અરજદારોના અનુભવને બહેતર બનાવવા માટે અહીં ફોટા, ફોટોકોપી અને ફોર્મ ભરવા જેવી સેવાઓ માટે હવે કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. કુરિયર સેવા પણ સ્ટાન્ડર્ડ ફીમાં જ સામેલ કરી દેવામાં આવી છે, જેથી અરજદારોને આર્થિક રાહતની સાથે માનસિક શાંતિ પણ મળશે.
VFS ગ્લોબલના ઉત્તર અમેરિકાના વડા અમિત કુમાર શર્માએ જણાવ્યું હતું કે, સિએટલ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારતીય સમુદાય ઝડપથી વધી રહ્યો છે. ભારત સરકારનું આ પગલું સેવાઓને વધુ નાગરિક-કેન્દ્રિત અને સુલભ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. હાલમાં અમેરિકામાં કુલ 17 ભારતીય એપ્લિકેશન સેન્ટરો ધમધમી રહ્યા છે, જે લાખો ભારતીયોના પ્રશ્નોનું નિરાકરણ લાવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
