હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

શિમલા: સમગ્ર ઉત્તર ભારત હાલમાં કુદરતના બેવડા મિજાજનો સામનો કરી રહ્યું છે. એકતરફ પહાડોમાં આકાશી આફત જેવી હિમવર્ષા થઈ રહી છે, તો બીજી તરફ મેદાની વિસ્તારોમાં કમોસમી વરસાદ અને કરા પડવાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. આ કડકતી ઠંડી અને બરફવર્ષા વચ્ચે હિમાચલ પ્રદેશના મંડીમાંથી એક અદભૂત કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં કેઓલી પંચાયતમાં એક વરરાજા અને કન્યા 4 ફૂટ જેટલા જાડા બરફના થર વચ્ચે 7 કિલોમીટર સુધી પગપાળા ચાલીને પોતાના ઘરે પહોંચ્યા હતા. રસ્તાઓ બંધ હોવા છતાં લગ્નનો ઉત્સાહ ઓછો થયો નહોતો.
જમ્મુ-કાશ્મીરમાં સેનાના જવાનોનું સાહસિક રેસ્ક્યુ
જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ભદ્રવાહ-ચતરગલા રોડ પર ભારે હિમવર્ષાને કારણે રસ્તો બંધ થઈ જતાં 40 સૈન્ય જવાનો સહિત કુલ 60 લોકો ફસાઈ ગયા હતા. આ તમામ જવાનો રાષ્ટ્રીય રાઇફલ્સના હતા. વહીવટીતંત્ર અને બચાવ ટીમોએ ભારે જહેમત બાદ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. હાલમાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે (NH-44) બરફના કારણે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.
દિલ્હીમાં રેડ એલર્ટ, રાજસ્થાન-UP માં કરાનો માર
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે દેશની રાજધાની દિલ્હીમાં ભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના આગ્રા અને બાગપતમાં વરસાદની સાથે કરા પડ્યા છે, જેનાથી ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. રાજસ્થાનમાં પણ હવામાનનો મિજાજ તેજ રહ્યો છે, જ્યાં સીકર અને કોટામાં વીજળી પડવાથી બે લોકોના કમનસીબ મોત નિપજ્યા છે. જયપુરમાં ધૂળની ડમરીઓ સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા.
મધ્યપ્રદેશ અને બિહારમાં પણ ઠંડીનો ચમકારો વધશે
મધ્યપ્રદેશના 28 જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે બિહારમાં આગામી 48 કલાકમાં તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના છે. હરિયાણા અને પંજાબમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. પહાડી વિસ્તારોમાં બરફ ઓગળવાને કારણે રસ્તાઓ લપસણા બની ગયા છે, જેના કારણે પ્રવાસીઓને ઊંચાઈવાળા વિસ્તારોમાં ન જવાની કડક સૂચના આપવામાં આવી છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM