પીએમ મોદીનો યુવા શક્તિને મંત્ર: "NCC એટલે માત્ર ગણવેશ નહીં, પણ શિસ્ત અને દેશપ્રેમની પાઠશાળા"
નવી દિલ્હીમાં વાર્ષિક NCC PM રેલીનું ભવ્ય સમાપન; 20 લાખ કેડેટ્સની તાકાત અને નારી શક્તિના વધતા પ્રભુત્વની વડાપ્રધાને કરી પ્રશંસા

નવી દિલ્હી : રાજધાની દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે ભારતની યુવા શક્તિનો અદભૂત નજારો જોવા મળ્યો હતો. વાર્ષિક 'NCC PM રેલી'ને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૂંકાર કર્યો હતો કે, દેશના યુવાનો આજે 'રાષ્ટ્ર પ્રથમ'ના મંત્ર સાથે ભારતનું ભવિષ્ય લખી રહ્યા છે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, NCC એ માત્ર એક તાલીમ નથી, પરંતુ એક એવી ચળવળ છે જે ભારતના યુવાનોને વધુ આત્મવિશ્વાસુ, શિસ્તબદ્ધ અને સંવેદનશીલ નાગરિક બનાવે છે.
નારી શક્તિનો શંખનાદ: ગર્લ કેડેટ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો
વડાપ્રધાને તેમના સંબોધનમાં ખુશી વ્યક્ત કરી હતી કે, NCC ની તાકાત હવે 14 લાખથી વધીને 20 લાખ કેડેટ્સ સુધી પહોંચી ગઈ છે. ખાસ કરીને સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારોના યુવાનો આમાં જોડાઈ રહ્યા છે તે ગર્વની વાત છે. આ વર્ષની રેલીમાં સૌથી આકર્ષક પાસું ગર્લ કેડેટ્સની વધતી ભાગીદારી રહી હતી. પીએમએ નોંધ્યું હતું કે, દીકરીઓ હવે દરેક મોરચે નેતૃત્વ કરી રહી છે, જે વિકસિત ભારતના સંકલ્પને મજબૂત બનાવે છે.
વિદેશી મહેમાનોની હાજરીમાં સાંસ્કૃતિક એકતાનો સંગમ
'રાષ્ટ્ર પ્રથમ - કર્તવ્ય નિષ્ઠ યુવા'ની થીમ પર આધારિત આ કાર્યક્રમમાં દેશભરમાંથી 2,406 કેડેટ્સે ભાગ લીધો હતો, જેમાં 898 યુવતીઓ સામેલ હતી. આટલું જ નહીં, વિશ્વના 21 દેશોના 207 પ્રતિનિધિઓ પણ આ ભવ્ય સમાપન સમારોહના સાક્ષી બન્યા હતા. કેડેટ્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા જીવંત સાંસ્કૃતિક કાર્યક્રમોએ ભારતની વિવિધતા અને એકતાની ઝલક રજૂ કરી હતી, જેને જોઈને રક્ષામંત્રી રાજનાથ સિંહ અને અન્ય મહાનુભાવો મંત્રમુગ્ધ થયા હતા.
પીએમ મોદીએ અંતમાં ઉમેર્યું હતું કે, આજે આખું વિશ્વ ભારત તરફ આશાભરી નજરે જોઈ રહ્યું છે, અને તેનું મુખ્ય કારણ આપણા યુવાનોની કુશળતા અને તેમના સંસ્કારો છે. NCC ના આ કેડેટ્સ જ આવતીકાલના ભારતની મજબૂત દીવાલ બનશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
