<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

અજિત પવારના અવસાન બાદ NCPમાં 'ઉત્તરાધિકાર'નો જંગ: પત્ની સુનેત્રા પવાર કે પુત્ર પાર્થ, કોણ સંભાળશે સુકાન?

શું વિખરાયેલી NCP ફરી કાકા શરદ પવારના શરણે જશે? પ્રફુલ પટેલ અને છગન ભુજબળની ભૂમિકા પર સૌની નજર

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણના 'માસ્ટર માઈન્ડ' ગણાતા અજિત પવારના આકસ્મિક નિધને રાજ્યમાં મોટું રાજકીય શૂન્યાવકાશ સર્જ્યું છે. બારામતીમાં થયેલા વિમાન અકસ્માતમાં તેમના નિધન બાદ હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે, અજિત પવારની NCP (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) નું ભવિષ્ય શું હશે? ૩૫ વર્ષની લાંબી રાજકીય કારકિર્દી અને ૮ વખત ધારાસભ્ય રહેલા અજિત દાદાના ગયા પછી પક્ષને એકજૂથ રાખવો એ એક મોટો પડકાર બની રહેશે.
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે અજિત પવારના રાજકીય વારસદાર તરીકે તેમની પત્ની અને રાજ્યસભા સાંસદ સુનેત્રા પવાર અથવા તેમના પુત્ર પાર્થ પવાર જવાબદારી સંભાળી શકે છે. અજિત પવારે પાર્થ પવારને ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી લડાવીને રાજકારણમાં લોન્ચ કર્યા હતા. જોકે, સુનેત્રા પવાર અને પાર્થ પાસે અજિત પવાર જેવો બહોળો વહીવટી અનુભવ નથી. આવા સમયે મહારાષ્ટ્રના જટિલ રાજકારણમાં પક્ષના ધારાસભ્યોને પોતાની સાથે ટકાવી રાખવા એ આ માતા-પુત્રની જોડી માટે લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થશે.
૨૦૨૩માં જ્યારે અજિત પવારે બળવો કરીને કાકા શરદ પવાર પાસેથી પાર્ટી અને ચિન્હ છીનવી લીધું હતું, ત્યારે NCP બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. હવે જ્યારે અજિત પવાર નથી રહ્યા, ત્યારે એવી અટકળો પણ તેજ થઈ છે કે શું NCPના બાકીના નેતાઓ ફરીથી શરદ પવારના શરણે જશે? જો પક્ષના નેતાઓ સુનેત્રા પવાર કે પાર્થ પવારના નેતૃત્વનો સ્વીકાર નહીં કરે, તો પવાર પરિવારમાં ફરી એકવાર એકીકરણની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
 પક્ષમાં બીજા ક્રમના નેતા ગણાતા પ્રફુલ પટેલ પાસે દિલ્હીનું નેટવર્ક છે, પરંતુ પાયાના સ્તરે તેમનો પ્રભાવ અજિત પવાર જેટલો નથી. બીજી તરફ, છગન ભુજબળ જેવા દિગ્ગજ નેતાઓનો પોતાનો અલગ પ્રભાવ છે. આ સ્થિતિમાં, જો પક્ષમાં આંતરિક ખેંચતાણ વધશે તો NCP ફરી એકવાર મોટા વિખવાદ તરફ જઈ શકે છે. AAIB દ્વારા વિમાન દુર્ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ મહારાષ્ટ્રની જનતાની નજર હવે રાજભવન અને પવાર પરિવારના આગામી કદમ પર ટકેલી છે.

(9:52 PM IST)