હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાંગ્લાદેશી શૂટરનો ભારત પ્રવાસ: ક્રિકેટમાં 'ના' પછી શૂટિંગમાં 'હા' ; ખેલાડીને ભારતમાં એન્ટ્રી માટે વિઝાની જરૂર નહીં પડે
T20 વર્લ્ડ કપના વિવાદ વચ્ચે બાંગ્લાદેશનો મોટો નિર્ણય: રબીઉલ ઇસ્લામ ઇન્દોરમાં મચાવશે ધૂમ : નૌકાદળના જવાન હોવાથી મળ્યો ખાસ 'પાવર': વિઝા વગર સાત દિવસ ભારતમાં રહી શકશે બાંગ્લાદેશી સ્ટાર શૂટર

ઇન્દોર : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તાજેતરમાં T20 વર્લ્ડ કપને લઈને ભારે રાજકીય અને રમતગમતનો તણાવ જોવા મળ્યો હતો, પરંતુ હવે શૂટિંગના મેદાનમાં મિત્રતાની નવી કડી જોડાવા જઈ રહી છે. બાંગ્લાદેશ સરકારે તેની શૂટિંગ ટીમને ભારત મોકલવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. નોંધનીય છે કે અગાઉ સુરક્ષાના બહાને બાંગ્લાદેશે પોતાની ક્રિકેટ ટીમને ભારત મોકલવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે તેમણે વર્લ્ડ કપમાંથી ખસી જવું પડ્યું હતું. જોકે, ઇન્દોરમાં યોજાનારી એશિયન રાઇફલ અને પિસ્તોલ ચેમ્પિયનશિપ માટે બાંગ્લાદેશના મંત્રાલયે લીલી ઝંડી આપી છે, કારણ કે તેમને આ સ્થળ અત્યંત સુરક્ષિત લાગ્યું છે.
બાંગ્લાદેશની આ ટીમમાં સૌથી વધુ ચર્ચા શૂટર રબીઉલ ઇસ્લામની થઈ રહી છે. રબીઉલ બાંગ્લાદેશ નૌકાદળ (Navy) માં ફરજ બજાવે છે અને તેમની પાસે એક એવો ખાસ પાસપોર્ટ છે, જે તેમને ભારતમાં સાત દિવસ સુધી વિઝા વગર રહેવાની પરવાનગી આપે છે. આ ખાસ સત્તાવાર પાસપોર્ટના કારણે તેમને ભારતીય દૂતાવાસના ધક્કા ખાવા પડશે નહીં. જોકે, તેમની સાથે આવનારા કોચ શર્મીન અખ્તરને નિયમ મુજબ વિઝા લેવા પડશે. ટીમ ૩૧ જાન્યુઆરીએ દિલ્હી પહોંચશે અને ત્યાંથી ઇન્દોર રવાના થશે, જ્યાં રબીઉલ ૫ ફેબ્રુઆરીએ પોતાની નિશાનબાજીનો જૌહર બતાવશે.
યુવા અને રમતગમત સચિવે સ્પષ્ટ કર્યું છે કે શૂટિંગ ટીમમાં માત્ર બે જ સભ્યો હોવાથી અને આયોજકો દ્વારા પૂરતી સુરક્ષાની ખાતરી મળતા આ નિર્ણય લેવાયો છે. રબીઉલ ઇસ્લામ એશિયાના ટોચના શૂટર્સમાં સ્થાન ધરાવે છે અને તેમના માટે આ ટુર્નામેન્ટ ખૂબ જ મહત્વની છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં આ એક સકારાત્મક વળાંક માનવામાં આવે છે. હવે જોવાનું એ રહેશે કે શૂટિંગના મેદાનમાં રબીઉલ કેવું પ્રદર્શન કરે છે અને શું આ નિર્ણયથી આગામી સમયમાં બંને દેશો વચ્ચે ક્રિકેટના સંબંધો પણ ફરી પાટા પર આવશે કે કેમ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
