હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાળકો માટે સોશિયલ મીડિયા 'નો-એન્ટ્રી ઝોન': ફ્રાન્સમાં ૧૫ વર્ષથી નાની ઉંમરના બાળકો પર પ્રતિબંધ : નિયમ તોડ્યો તો એકાઉન્ટ થશે ડિલીટ
રાષ્ટ્રપતિ મેક્રોનનો માસ્ટરસ્ટ્રોક: ડિપ્રેશન અને સાયબર ધમકીઓથી બચાવવા ટિકટોક, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર લાદી પાબંદી : ૨૦૨૬ના શૈક્ષણિક સત્રથી કાયદો થશે કડક: ઉંમર છુપાવવી હવે કંપનીઓને પડશે મોંઘી.

પેરિસ: ડિજિટલ દુનિયાના વળગણમાંથી બાળકોને છોડાવવા માટે ફ્રાન્સે વિશ્વનું સૌથી કડક પગલું ભર્યું છે. ફ્રેન્ચ નેશનલ એસેમ્બલીએ એક ઐતિહાસિક બિલ પસાર કરીને ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના દરવાજા કાયમ માટે બંધ કરી દીધા છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ છેલ્લા દાયકામાં કિશોરોમાં વધતા ડિપ્રેશન અને આત્મહત્યાના ૬૦% જેટલા ચિંતાજનક કેસો છે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને આ પગલાને 'ડિજિટલ સુરક્ષા કવચ' ગણાવ્યું છે, જે યુવાનોને ઓનલાઇન હિંસા અને ખોટા પ્રભાવથી બચાવશે. આખી રાત ચાલેલી મેરેથોન ચર્ચા બાદ બહુમતીથી આ બિલ પસાર કરવામાં આવ્યું હતું.
નવો કાયદો માત્ર બાળકો માટે જ નહીં, પણ ટેક કંપનીઓ માટે પણ મુશ્કેલી ઊભી કરશે. ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ અને ટિકટોક જેવા પ્લેટફોર્મ્સે હવે યુઝર્સની ઉંમર ચકાસવા માટે મજબૂત ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે. જો કોઈ કંપની સગીરોને એકાઉન્ટ ખોલવા દેશે, તો તેણે ભારે દંડ ભોગવવો પડશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે સપ્ટેમ્બર ૨૦૨૬થી નવા ખાતાઓ પર આ નિયમ લાગુ થશે અને વર્ષના અંત સુધીમાં એવા તમામ જૂના ખાતાઓ પણ બંધ કરી દેવામાં આવશે જે નિર્ધારિત વય મર્યાદા પૂરી કરતા નથી. જોકે, શૈક્ષણિક હેતુ માટેના પ્લેટફોર્મ અને ઓનલાઈન જ્ઞાનકોશને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ફ્રાન્સના આ નિર્ણયની ગુંજ હવે આખી દુનિયામાં સંભળાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા બાદ ફ્રાન્સ બીજો એવો દેશ બન્યો છે જેણે બાળકોના સ્ક્રીન ટાઈમ પર આટલી કડક મર્યાદા લાદી છે. ભારત માટે પણ આ એક મોટો સંકેત છે, જ્યાં ગોવા અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યો સમાન કાયદા લાવવાની દિશામાં વિચારી રહ્યા છે. યુરોપિયન કમિશને પણ આ પગલાને ટેકો આપ્યો છે, પરંતુ તેનું અમલીકરણ કંપનીઓ કેટલી પ્રામાણિકતાથી કરે છે તેના પર સૌની નજર રહેશે. આ કાયદો અમલી બન્યા બાદ હવે બાળકોના હાથમાં સ્માર્ટફોન નહીં પણ પુસ્તકો અને રમતગમતના સાધનો વધુ જોવા મળે તેવી સરકારની અપેક્ષા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
