હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

વોશિંગ્ટન: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના આક્રમક તેવર બતાવતા ઈરાનને પાયમાલ કરવાની ખુલ્લી ધમકી આપી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાની શાસકોને ચેતવણી આપી છે કે એક વિશાળ નૌકાદળનો કાફલો, જે વેનેઝુએલા મોકલવામાં આવેલા કાફલા કરતા પણ વધુ શક્તિશાળી છે, તે અત્યંત ઝડપથી ઈરાન તરફ આગળ વધી રહ્યો છે. ટ્રમ્પના મતે, ઈરાન પાસે વાટાઘાટોના ટેબલ પર આવવા માટે સમય ખૂબ જ ઓછો છે. જો ઈરાન ન્યાયી અને સંતુલિત પરમાણુ કરાર માટે સંમત નહીં થાય, તો અમેરિકા અત્યંત ગતિ અને બળ સાથે સૈન્ય કાર્યવાહી કરતા ખચકાશે નહીં.
આ ચેતવણી પાછળ ગયા વર્ષે જૂનમાં થયેલા 'ઓપરેશન મિડનાઈટ હેમર'નો ડર છે. ટ્રમ્પે ઈરાનને યાદ અપાવ્યું કે કઈ રીતે અમેરિકાએ માત્ર ૨૫ મિનિટમાં ઈરાનના ત્રણ અતિ સુરક્ષિત પરમાણુ પ્લાન્ટ્સ - ફોર્ડો, નાતાન્ઝ અને ઇસ્ફહાનને ધૂળ ચાટતા કરી દીધા હતા. સાત સ્ટીલ્થ બી-૨ બોમ્બર્સ અને ૧૨૫થી વધુ વિમાનોની મદદથી કરાયેલા એ હુમલાએ ઈરાનની કમર તોડી નાખી હતી. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આગામી હુમલો અગાઉના હુમલા કરતા પણ વધુ વિનાશક અને ભયાનક હશે, જેનો સામનો કરવો ઈરાન માટે અશક્ય બની જશે.
વિશ્વના રાજકીય વિશ્લેષકો માને છે કે ટ્રમ્પની આ 'ગનબોટ ડિપ્લોમસી' ઈરાનને આર્થિક અને સૈન્ય રીતે તોડી પાડવાની ચાલ છે. યુએસ નૌકાદળના અબ્રાહમ લિંકન જહાજની આગેવાનીમાં આગળ વધી રહેલા આ કાફલાએ ખાડી દેશોમાં પણ ગભરાટ ફેલાવ્યો છે. ટ્રમ્પ ઈચ્છે છે કે ઈરાન કોઈપણ શરત વિના પરમાણુ હથિયારો બનાવવાની જીદ છોડી દે અને તેમની સાથે સોદો કરે. હવે જોવાનું એ રહેશે કે ઈરાન આ ધમકી સામે નમશે કે પછી મધ્ય-પૂર્વમાં વધુ એક મોટા યુદ્ધની શરૂઆત થશે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM