હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
GST ડેપ્યુટી કમિશનરના ખેલ: વિધાયક બનવા માટે રાજીનામું આપ્યું, પણ હવે નકલી સર્ટિફિકેટના વિવાદમાં ફસાયા
પ્રશાંત સિંહની મુશ્કેલી વધી: પોતાના જ ભાઈએ ખોલી પોલ; દિવ્યાંગ ક્વોટામાં નકલી સર્ટિફિકેટથી નોકરી મેળવી હોવાનો ગંભીર આરોપ

અયોધ્યા: અયોધ્યાના ડેપ્યુટી કમિશનર પ્રશાંત કુમાર સિંહ, જેઓ અચાનક રાજીનામું આપીને અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગુણગાન ગાઈને ચર્ચામાં આવ્યા હતા, તેમની વાર્તા હવે પૂરેપૂરી પલટાઈ ગઈ છે. શંકરાચાર્ય દ્વારા સીએમ યોગી પર કરવામાં આવેલી ટિપ્પણીથી આહત થઈને રાજીનામું આપનાર આ અધિકારી પર હવે તેમના જ સગા ભાઈએ ગંભીર આક્ષેપો કર્યા છે. આ ખુલાસાથી ઉત્તર પ્રદેશના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે હોબાળો મચી ગયો છે.
નવા ખુલાસા મુજબ, પ્રશાંત સિંહની રાજકીય મહત્વકાંક્ષા વર્ષ ૨૦૨૨ થી જ જાગી હતી. જીએસટી વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે કાર્યરત હોવા છતાં, તેમણે મઉ જિલ્લામાંથી ભાજપની ટિકિટ મેળવવા માટે જોરદાર દાવેદારી કરી હતી. તે સમયે તેમણે ભગવા રંગના બેનરો અને પોસ્ટરો લગાવીને ચૂંટણી લડવા માટે માહોલ પણ બનાવ્યો હતો. જોકે, ટિકિટ ન મળતા તેમણે નોકરી ચાલુ રાખી હતી અને પ્રમોશન મેળવીને ડેપ્યુટી કમિશનર બન્યા હતા.
પ્રશાંત સિંહના સગા મોટા ભાઈ ડો. વિશ્વજીત સિંહે આરોપ લગાવ્યો છે કે પ્રશાંતે 'ફર્જી દિવ્યાંગ પ્રમાણપત્ર'ના આધારે સરકારી નોકરી મેળવી હતી. ભાઈના જણાવ્યા મુજબ, પ્રશાંત સિંહ તપાસ અને રિકવરીથી બચવા માટે રાજીનામાનું નાટક કરી રહ્યા છે. વર્ષ ૨૦૨૧ માં આ અંગે ફરિયાદ થઈ હતી અને મેડિકલ બોર્ડે તેમને તપાસ માટે બોલાવ્યા હતા, પરંતુ તેઓ ક્યારેય હાજર થયા નહોતા. હવે જ્યારે તપાસ છેલ્લા તબક્કામાં છે, ત્યારે તેમણે 'નૈતિકતા'ના નામે રાજીનામું ધરી દીધું છે.
આ મામલો માત્ર કાયદાકીય નથી રહ્યો પણ કૌટુંબિક વિખવાદમાં પણ ફેરવાયો છે. પોલ ખોલનાર ડોક્ટર ભાઈએ દાવો કર્યો છે કે તેમને સતત ધમકીઓ મળી રહી છે અને પરિવાર સાથે વાતચીત પણ બંધ થઈ ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે મેડિકલ બોર્ડનો રિપોર્ટ અને વહીવટી તપાસ આ મામલે શું વળાંક લાવે છે. એક તરફ સીએમ યોગી પ્રત્યેની ભક્તિ અને બીજી તરફ નકલી સર્ટિફિકેટનો આરોપ - આ કેસ હવે ભારે રસાકસીભર્યો બન્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
